અમદાવાદના ઉમિયાધામ કૅમ્પસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિનું કાર્યકર્તા સંમેલન કરવા માટે યોજાનારી બેઠક માટે ગઈ કાલે કૅમ્પસમાં જતા હાર્દિક પટેલ અને તેના સાથીઓની પોલીસે કરી અટકાયત હતી. એના પગલે ઉમિયા કૅમ્પસ ખાતે ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.
પોલીસે હાર્દિક અને તેના સાથીઓને પાટીદારોની સંસ્થા ઉમિયાધામ કૅમ્પસમાં પ્રવેશ ન કરવા દેતાં મામલો બીચક્યો હતો. પોલીસે પરમિશન બાબતના કેટલાક ડૉક્યુમેન્ટ્સ બતાવીને હાર્દિક પટેલ તેમ જ અન્ય લોકોને અંદર જતા રોક્યા હતા. એને કારણે હાર્દિક પટેલ સહિતના પાટીદાર યુવાનો ઉમિયાધામ કૅમ્પસના દરવાજે ધરણાં પર બેસી ગયા હતા. આ દરમ્યાન પોલીસ-અધિકારીએ તેમને સમજાવ્યા હતા, પરંતુ પાટીદાર યુવાનો ન માનતાં પોલીસે હાર્દિક પટેલ સહિતના ધરણાં પર બેઠેલા પાટીદાર યુવકોની અટકાયત કરી હતી.
અચાનક જ પોલીસે અટકાયતનો દોર શરૂ કરતાં દોડધામ મચી ગઈ હતી અને પાટીદાર યુવાનો તથા પોલીસ વચ્ચે પકડાપકડી થઈ હતી. પોલીસે કૅમ્પસના દરવાજેથી પાટીદાર યુવાનોને ભગાડતાં મામલો ગરમાયો હતો અને ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.