ગુજરાતના અમદાવાદ શહેરમાં કેટલાક અજાણ્યા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવ્યા હતા, આ પોસ્ટરો પર “મોદી હટાઓ, દેશ બચાવો” એવા નારા લખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને 8 લોકો સામે કાયદેસરનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરના વટવા, વાડજ, મણિનગર, ઈસનપુર, નારોલ જેવા વિવિધ વિસ્તારોમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં આઠ ફરિયાદ નોંધી છે. જણાવી દઈએ કે આ તમામ પોસ્ટરો સરકારી મિલકતો પર લગાવવામાં આવ્યા હતા. આથી જ વાંધાજનક પોસ્ટર લગાવીને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાનો પણ મોટો આરોપ લગાવ્યો છે.
દિલ્હીમાં પણ 6 લોકોની ધરપકડ
જણાવી દઈએ કે, જ્યારે અમદાવાદમાં આ મામલો સામે આવ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવા બદલ કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જ્યારે દિલ્હી પોલીસે પણ વડાપ્રધાન નરેન્દ્ર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવા બદલ રાજધાનીમાં 100 ફરિયાદ નોંધી છે. સાથે પોલીસે અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એફઆઈઆર પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમાં પ્રિન્ટિંગ પ્રેસની વિગતો નથી. જ્યારે સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે કહ્યું કે પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્પેશિયલ સીપીએ આરોપ લગાવ્યો છે કે, આમ આદમી પાર્ટી ઓફિસથી નીકળતી વખતે એક વેનને પણ રોકી દેવામાં આવી હતી, જેમાંથી કેટલાક પોસ્ટર જપ્ત કરવામાં આવ્યા હતા અને કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી.