ગુરુવારથી શરૂ થયેલા અને શનિવારે વિકરાળ રૂપ ધારણ કરી લેનારા વરસાદને લીધે ગુજરાતમાં પારાવાર તારાજી પથરાઈ છે, જેની વિગતો હવે ધીમે-ધીમે બહાર આવી રહી છે. અતિ ભારે વરસાદને લીધે ગુજરાતમાં અત્યારે ૨૦૦૦ કિલોમીટરની સાઇઝનો સ્ટેટ હાઇવે અને ૬૫૦ કિલોમીટરનો નૅશનલ હાઇવે પાયમાલ થઈ ગયો છે અને રસ્તા પરથી ડામરના આખેઆખા પોપડા નીકળી ગયા છે તો અનેક જગ્યાએ પાંચથી સાત ફુટના ખાડા પડી ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે અત્યારે અમદાવાદ-કચ્છ અને અમદાવાદ-રાજકોટ નૅશનલ હાઇવે આંશિક રીતે ચાલુ કરવામાં આવ્યો છે તો ગુજરાતના ૧૪ સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ-કચ્છ નૅશનલ હાઇવે અને આ નૅશનલ હાઇવે સાથે જોડાતા છ સ્ટેટ હાઇવે પર સૌથી વધુ નુકસાન થયું છે. માળિયાથી પસાર થતો અને કચ્છને જોડતો એકમાત્ર સ્ટેટ હાઇવે છે અને આ હાઇવે પર પણ પુષ્કળ નુકસાન થયું છે, જેને લીધે માળિયા અને કચ્છ અત્યારે એકબીજાથી લગભગ વિખૂટાં પડી ગયાં છે તો બગોદરાથી લીંબડીને જોડતો અમદાવાદ-રાજકોટ નૅશનલ હાઇવે પર પણ ખૂબ જ નુકસાન થયું હોવાથી એ હાઇવે પર આવેલાં અનેક ગામડાંઓ સ્ટેટ હાઇવે અને નૅશનલ હાઇવેથી છૂટાં પડી ગયાં છે. અમદાવાદ-રાજકોટ નૅશનલ હાઇવે પર અનેક જગ્યાએ રસ્તો વન-વે કરી દેવામાં આવ્યો છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાની તથા અમદાવાદ-રાજકોટ હાઇવેની હવાઈ-મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘રસ્તાઓનું કામ તાત્કાલિક શરૂ થાય એ માટેની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે પણ બે દિવસ પછી તડકો નીકળશે એવી આગાહી કરી હોવાથી એ રીતે પણ કામ ઝડપથી શરૂ કરી શકાશે.