સુરત: અમરનાથના દર્શન કરી પરત ફરતાં ગુજરાત અને મહારાષ્ટ્રના યાત્રાળુઓની બસ પર કાશ્મીરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો. જેમાં પાંચ ગુજરાતી અને મહારાષ્ટ્રના બે લોકોના મોત થયા હતાં જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. આ હુમલા દરમિયાન બસમાં 54 યાત્રાળુઓ સવાર હતાં અને આ બસના ચાલક સલીમે આટલા ગોળીબાર વચ્ચે પણ બસ ચલાવી અને યાત્રાળુઓને સુરક્ષિત પહોંચ્યા હતાં.
એરફોર્સના વિમાન દ્વારા આજે સાત મૃતદેહ તથા ઘાયલોને સુરત એરપોર્ટ લવાયા હતાં. આ દરમિયાન બસના ડ્રાયવર સલીમે જણાવ્યુ હતું કે અમારી બસ પર રાત્રે 8 વાગ્યા આસપાસ અચાનક આતંકવાદીઓ ગોળીબાર કર્યો. આ દરમિયાન મારી બાજુમાં બેઠેલા અમારી બસના માલિક હર્ષ દેસાઇને પણ ગોળી વાગી. હું બસમાં નીચે નમી ગયો હતો અને બસ ચલાવતો રહ્યો હતો. મારા મલિકે મને હિંમત આપી કે તુ બસ ઉભી ન રાખતો બસ ચલવાતો રહે અને હું લગભગ બે કિલોમીટર સુધી આ રીતે બસ ચલાવી સુરક્ષા દળોના કેમ્પ સુધી પહોંચ્યો હતો. આમ સલિમે હિન્દુ યાત્રીઓનો જીવ પોતાના જીવ પર ખેલીને બચાવ્યો છે.
યાત્રાળુઓના બસના માલિક હર્ષ દેસાઇએ જણાવ્યુ હતું કે શરૂઆતમાં ફાયરિંગ થયું તો મને લાગ્યુ કે ફટાકડા ફૂટી રહ્યાં છે અને અચાનક બે ગોળી મને વાગી. મેં મારા ડ્રાયવર સલિમને કહ્યું કે બસ ઉભી ન રાખતો, ચલાવતો રહે અને અમે આમ સુરક્ષિત બચી નિકળ્યા.
સુરત એરપોર્ટ ખાતે પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી તથા ઇજાગ્રસ્તોને મદદની બાહેંધરી આપી હતી. વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે બસના ડ્રાયવર સલિમે બહાદુરીપૂર્વક બસ ચલાવી લોકોના જીવ બચાવ્યા છે. ગુજરાત સરકાર સલીમને વીરતા પુરસ્કાર આપવામાં આવે તેવી રજૂઆત કેન્દ્ર સરકારને કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રીઓ પર લશ્કર-એ-તોયબાના આતંકી ઇસ્માઇલ દ્વારા આતંકવાદી હુમલાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે બસના ચાલક સલીમને તેના માલિક હર્ષ દેસાઇ હિંમત આપતા રહ્યાં અને સલીમે સામેથી થતાં ગોળીબાર છતાં જીવ સટોસટનો જંગ ખેલી ગુજરાતના અમરનાથ યાત્રીઓની સુરક્ષા કરી છે.