અમદાવાદ તા. ૬ :.. ભાજપના પ્રદેશ પ્રવકતા શ્રી ભરતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ તા. ૭ જુલાઇના રોજ સુરત જીલ્લાના મહુવા તાલુકાના પાંચકાકડા-અનાવલ ખાતે ગુજરાતના દક્ષિણ ઝોનના પેજ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં યોજાનાર આ ‘પેજ પ્રમુખ મહાસંમેલન‘ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, દક્ષિણ ઝોનના પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, પ્રદેશના આગેવાનો તેમજ રાજય સરકારના મંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ઝોનના બધા જ જીલ્લાના ૧ લાખથી પણ વધુ પેજ પ્રમુખો ઉપસ્થિત રહીને આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ મુકત બુથના સંકલ્પ સાથે ૧પ૦ થી વધુ વિધાનસભાની બેઠકો પર વિજયી થવા માટેનું માર્ગદર્શન મેળવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે આવનાર હોઇ તેમને આવકારવા માટે ભાજપના બધા જ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. ભાજપા યુવા મોરચાના ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓ માનવ સાંકળ રચીને સ્વાગત કરશે તેમજ પ હજારથી વધુ કાર્યકર્તાઓ વિશીષ્ટ રીતે ગોઠવાઇને ‘૧પ૦ૅ‘ ના પ્રતિક ચિહનની ડીઝાઇનનું નિર્માણ કરશે. આજે ૬ જુલાઇના રોજ ગુજરાત ભાજપા મહિલા મોરચાની ૮ જીલ્લા-મહાનગરની કાર્યકર બહેનો પ૧ હજારથી વધુ મહિલાઓને કમળ મહેંદી મુકીને વિશ્વવિક્રમ રચાશે.