કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે આજે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જો કે આ દરમિયાન શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના 13 ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતાં. કેટલાક ધારાસભ્યોએ હાજર ન રહેવા પાછળનું કારણ ભારે વરસાદ હોવાનું જણાવ્યું હતું. જો કે બીજી તરફ શંકરસિંહ વાઘેલાના વેવાઇ એવા કોંગ્રેસના ધારાસભ્ય બળવંતસિંહ રાજ્યસભાની ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અહેમદ પટેલે જણાવ્યુ હતું કે હું ગઈકાલે શંકરસિંહને મળ્યો હતો, તેમને મને વચન આપ્યું છે કે, તેઓ કોંગ્રેસને જ મત આપશે. મને તેમના શબ્દો પર ભરોસો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ ચાર વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે અને તેઓએ પાંચમી વખત ઉમેદવારી કરી છે.