અમદાવાદ તા. ૧ : નોકરીઓમાં,શાળા-કોલેજોમાં અને મળવાપાત્ર તમામ સંસ્થાઓમાં પાટીદારોને અનામત જગ્યાનો લાભ આપવાની માગણી સાથે શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન પુરી તાકાત સાથે ફરી શરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે માટે હાર્દિક પટેલ દ્વારા આગામી ૫ ઓગષ્ટે અમદાવાદમાં ૩૦ હજાર પાટીદારોનું વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
અલગ-અલગ માંગણીઓ સાથે શરૂ થયેલુ આ આંદોલન યેનકેન પ્રકારે સંકેલી લેવાય તે માટે રાજય સરકાર અને ભાજપ તરફથી તમામ પ્રકારના પ્રયાસો થયા છે.પાટીદારોના આ રોષ અને અપાયેલા ભોગને ન્યાય અપાવવા માટે પાસ તરફથી આ આંદોલનમાં ફરી પ્રાણ પુરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સમગ્ર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના તાલુકા કન્વીનરોને જાણ કરવામાં આવી છે. આ બાબતે હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ૫ ઓગષ્ટે ૭ હજાર ગામોમાંથી પાટીદારો આવશે.
જેમાં પ્રત્યેક પાટીદારના બહુમતીવાળા ગામોમાંથી પાટીદારોને બોલાવવામાં આવ્યા છે. ગામડાના નાનામાં નાના પાટીદારને પણ આ પ્રશ્ને સરકાર સામે ભારોભાર રોષ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.જો કોઈ ફેરફાર ન થાય તો અમદાવાદમાં ૫ ઓગષ્ટે ૩૦ હજાર પાટીદારનું વિશાળ સંમેલન મળશે. ત્યાર બાદ ૨૫ ઓગષ્ટે પાટણમાં ૫૧ હજાર યુવકો એકઠાં કરવામાં આવશે.