નવી દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવતના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શુક્રવારે સવારે 11 વાગ્યાથી જનરલ રાવત અને તેમની પત્નીના મૃતદેહને તેમના પરિવાર, મિત્રો અને જનતાના અંતિમ દર્શન માટે તેમના દિલ્હી સ્થિત ઘરે રાખવામાં આવશે. બપોરે લગભગ 2 વાગ્યે અંતિમયાત્રા શરૂ થશે. અંતિમ સંસ્કાર બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં સાંજે 4 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યા છે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ ગુરુવારે પાલમ એરપોર્ટ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, આર્મી ચીફ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી, રક્ષા સચિવ અજય કુમારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, “જનરલ બિપિન રાવત તેમની પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પીત કરી હતી. તેમને લખ્યું- ભારત તેમના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. આ દરમિયાન પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એક હેંગરમાં 13 શબપેટીઓ રાખવામાં આવી હતી અને આ દરમિયાન પરિવારના સભ્યો પણ હાજર હતા. વડાપ્રધાન મોદી આ અવસરે મૃતકોના પરિવારજનો પાસે ગયા અને તેમની સાથે થોડીવાર વાત કરી હતી.