300 મિલિયન 2G ફોન યુઝર્સના હાથમાં સ્માર્ટફોન આવે એ માટે નીતિ વિષયક હસ્તક્ષેપ જરૂરી !
ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીએ ભારતમાં વર્ષ 2021ના ઉત્તરાર્ધ એટલે કે બીજા ભાગમાં 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવાના સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે, દરેકને પોસાય તેવી અને બધે જ ઉપલબ્ધ હોય તેવી અલ્ટ્રા-હાઇ-સ્પીડ 5G સેવાઓ ઝડપથી શરૂ કરવા માટે નીતિ વિષયક પગલાં લેવા જરૂરી છે.
નિઃશુલ્ક વોઇસ કોલિંગ અને અત્યંત ઓછા ભાવે ડેટા પૂરો પાડતા નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરનાર ચાર વર્ષ જૂના ટેલિકોમ સાહસ જિયોના પ્રણેતા શ્રી અંબાણીએ ભારતમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ વિકસાવવાની પણ હિમાયત કરતાં કહ્યું કે, આટલા વ્યુહાત્મક ક્ષેત્રમાં દેશ માત્ર આયાત પર નિર્ભર રહી ન શકે. 5G પાંચમી પેઢીનું એવું મોબાઇલ નેટવર્ક છે કે જે મશીન, વસ્તુઓ અને ડિવાઇસિઝ સહિતની તમામ વસ્તુઓને સાંકળીને ઉપયોગકર્તાને કનેક્ટ કરે છે.
તેમણે એમ પણ કહ્યું કે, ભારત આજે વિશ્વના શ્રેષ્ઠ ડિજિટલી કનેક્ટેડ દેશોમાં સ્થાન ધરાવે છે. “આગળ પડતી આ ભૂમિકાને બરકરાર રાખવા માટે, દરેકને પોસાય તેવી અને સર્વત્ર ઉપલબ્ધ હોય તેવી 5G સેવાઓ ઝડપથી શરૂ કરવા માટે નીતિ વિષયક પગલાં ઝડપથી લેવા જરૂરી છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, “હું આશ્વાસ્ત કરું છું કે વર્ષ 2021ના ઉત્તરાર્ધમાં ભારતમાં 5Gની ક્રાંતિમાં જિયો અગ્રેસર રહેશે.”
જિયોની 5G સેવાઓ સ્વદેશમાં વિકસિત નેટવર્ક, હાર્ડવેર અને ટેક્નોલોજી ઉપકરણોથી સશક્ત બનશે. “જિયોની 5G સેવા આત્મનિર્ભર ભારતની તમારી પ્રેરણાદાયક દૃષ્ટિની સાક્ષી હશે.” જિયો અને ભારતી એરટેલ તથા વોડાફોન આઇડિયા જેવા સર્વિસ પ્રોવાઇડરો હાલ 4G સેવાઓ પૂરી પાડી રહ્યા છે. એ ઉપરાંત ભારતમાં હજી પણ માત્ર વોઇસ કોલિંગ અને ટેક્સ્ટ મેસેજ પૂરતી મર્યાદિત 2G સેવાઓ પણ ચાલુ છે.
“300 મિલિયન જેટલા મોબાઇલ ગ્રાહકો હજી પણ 2G યુગમાં અટવાયેલા છે. આ વંચિત લોકો પોસાય તેવો સ્માર્ટફોન મેળવી શકે તે માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાં લેવા જરૂરી બન્યા છે, જેનાથી આ લોકોને વિવિધ સરકારી સહાય સીધી તેમના બેન્ક એકાઉન્ટમાં મળે તથા ડિજિટલ ઇકોનોમીમાં તેઓ સક્રિય રીતે હિસ્સો લઈ શકે,” તેમ શ્રી અંબાણીએ જણાવ્યું હતું. ભારતમાં આજે એક અબજથી વધુ ફોન યુઝર્સ છે. શ્રી અંબાણીની કંપની ન્યુનતમ કિંમતમાં સ્માર્ટફોન ઓફર કરે છે જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકાય છે.
“હું તમને અત્યંત આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે 5G ભારતને માત્ર ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભાગ લેવા માટે જ સક્ષમ નહીં બનાવે, પરંતુ સાથે સાથે તેનું નેતૃત્વ કરવા પણ સક્ષમ બનાવશે,” તેમ પણ તેમણે જણાવ્યું હતું. ભારતીય અર્થતંત્ર અને ભારતીય સમાજનું ડિજિટલાઇઝેશન ઝડપ પકડશે તે સાથે ડિજિટલ હાર્ડવેરની માંગમાં પણ પ્રચંડ વધારો થશે. “દેશના આવા વ્યુહાત્મક ક્ષેત્રમાં આપણે મોટાપાયે આયાત પર આધાર રાખી શકીએ નહીં,” તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અંબાણીએ જણાવ્યું હતું.
વિશ્વની અનેક અગ્રણી કંપનીઓ ભારતમાં તેમની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ સ્થાપવા માટે આવી રહી હોવાનું જણાવી તેમણે કહ્યું કે, સસ્તી ડિઝાઇન તૈયાર કરવામાં ભારતે વિશ્વ સ્તરની ક્ષમતા હાંસલ કરી લીધી છે. “ભારતને અદ્યતન સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં અગ્રણી દેશ બનતાં હું જોઈ શકું છું,” તેમ જણાવી ઉમેર્યું હતું કે, “આ ક્ષેત્રના તમામ હિસ્સેદારો જ્યારે ભેગા મળશે ત્યારે ચોક્કસપણે જેમ સોફ્ટવેરમાં ભારત સફળ છે તેમ હાર્ડવેરમાં પણ સફળતા સુનિશ્ચિત કરી શકાશે.”
જિયો પ્લેટફોર્મ્સે તેના 20 સ્ટાર્ટ-અપ પાર્ટનરના પરિવાર સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા, મશીન લર્નિંગ, ધ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને બ્લોકચેઇન જેવા ક્ષેત્રે વિશ્વ સ્તરની ક્ષમતાઓ હાંસલ કરી છે. “અમે શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, માળખાગત સુવિધાઓ, નાણાકીય સેવા ક્ષેત્ર અને ન્યૂ કોમર્સ ક્ષેત્રે ઘરઆંગણે સુવિધાજનક ઉકેલો તૈયાર કરી રહ્યા છીએ,” તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, “આ તમામ સુવિધાજનક ઉકેલો ભારતમાં તેમની કાર્યક્ષમતા સાબિત કરી લેશે એટલે વૈશ્વિક પડકારો હલ કરવા માટે સમગ્ર દુનિયાને પૂરા પાડવામાં આવશે.”
શ્રી અંબાણીએ કહ્યું હતું કે, જીવન નિર્વાહની સરળતા ઊભી કરી વિશ્વનો સૌથી આધુનિક ડિજિટલ સમાજ બનવા માટે ભારત પાસે ઐતિહાસિક તક છે. “મને દૃઢ નિશ્ચય ડિજિટલ ટેક્નોલોજીની પ્રચંડ અને પરિવર્તનશીલ ક્ષમતામાંથી મળ્યો છે,” તેમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું કે, ભારત પાસે બે અનોખી ક્ષમતાઓ છે, પહેલી વાઇબ્રન્ટ ડેમોક્રસી, યંગ ડેમોગ્રાફી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એમ થ્રી-ડી તથા બીજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દૂરદર્શી અને ગતિશીલ નેતૃત્વ. જ્યારે કોવિડ-19 મહામારીએ જીવના જોખમ સહિતના પડકારો ઊભા કર્યા ત્યારે 4G હાઇ-સ્પીડ કનેક્ટિવિટીએ તે ભારતની ડિજિટલ લાઇફ-લાઇન છે તે સાબિત કરી આપ્યું છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
વર્ષ 2020માં ભારતે ઓનલાઇન કામ કર્યું, ઓનલાઇન અભ્યાસ કર્યો, ઓનલાઇન શોપિંગ કર્યું, સ્વાસ્થ્ય સુવિધાઓ ઓનલાઇન મેળવી, લોકો સાથેનો મેળ-મિલાપ ઓનલાઇન કર્યો અને ગેમ્સ પણ ઓનલાઇન રમ્યા. “સરળ ભાષામાં કહીએ તો ભારત ઓનલાઇન સમૃદ્ધ દેશ બન્યો.” કોરોનાવાઇરસના કારણે આવેલી મંદીને બાજુએ મુકતાં શ્રી અંબાણીએ કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્રની ગાડી માત્ર પુનઃ પાટા પર જ નહીં ચડે, પરંતુ અભૂતપૂર્વ ઝડપ સાથે વિકાસ પામશે. “ઇન્ડિયા કેન – ઇન્ડિયા વિલ -ના સૂત્ર સાથે તમામ અટકળોને ખોટી પાડી 5 ટ્રિલિયન અમેરિકી ડોલરની ઇકોનોમી પણ બનશે,” તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, “અર્થતંત્રના પીરામિડમાં વચ્ચે અને સૌથી નીચે રહેલા એક અબજ લોકોની આવક, રોજગાર અને જીવન ગુણવત્તા વધવાની સાથે આવનારા સમયમાં વધુ સમાનતા ધરાવતા ભારતનું નિર્માણ પણ થશે.”