પાકિસ્તાન આ દિવસોમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આઝાદી પછી પાકિસ્તાન હાલમાં સૌથી ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં સ્થિતિ એવી થઈ ચુકી છે કે લોકોને બે ટંકની રોટલીના ફાંફા પડી રહ્યા છે, ચોખા અને લોટ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વારંવાર પોતાના સંકટગ્રસ્ત દેશને ભારત તરફ જોવાની સલાહ આપી રહ્યા છે. ક્યારેક વિદેશ નીતિ તો ક્યારેક આર્થિક મોડલ.
હવે એક નવા વીડિયોમાં ઇમરાન ખાન આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે વિદેશી પાકિસ્તાનીઓના રોકાણ પર ભાર મૂકતા દેખાઈ રહ્યા છે. આ માટે તેઓ ભારત અને ચીનના મોડલના ઉદાહરણો આપે છે. હકીકતમાં, વિદેશમાં સ્થાયી થયેલા પાકિસ્તાનીઓએ તેમના દેશમાં પૈસા મોકલવાનું ઓછું કરી દીધું છે. તેનાથી પહેલાથી જ પરેશાન દેશમાં ડોલરની તંગી વધી છે. ઇમરાને કહ્યું કે ‘વિદેશમાં સ્થાયી થયેલા આપણા પાકિસ્તાનીઓ ઘણા અમીર છે.’
પાકિસ્તાનની સમસ્યા કેવી રીતે હલ થશે?
વીડિયોમાં ઇમરાને કહ્યું, ‘પાકિસ્તાની લોકો પાકિસ્તાનમાં રોકાણ કરે છે. એક કરોડ પાકિસ્તાનીઓ વિદેશમાં સ્થાયી થયા છે. આ એક કરોડ લોકો પાસે પાકિસ્તાનના 22-23 કરોડ લોકો કરતા વધુ ડોલર છે. જે દિવસે તે લોકો પાકિસ્તાનમાં રોકાણ કરશે તે દિવસે આપણી ડોલરની સમસ્યા હલ થઈ જશે. અત્યારે આપણે ગમેત્યાં પૈસા માંગીએ છીએ, આ સમસ્યા ત્યારે જ હલ થશે જ્યારે આપણે પહેલા આપણા દેશની સિસ્ટમને ઠીક કરીશું અને પછી એક એવું વાતાવરણ બનાવીશું જેમાં મૂડી રોકાણ કરી શકાય અને તે વાતાવરણમાં સૌથી પહેલા આ દેશમાં રોકાણ કરવાવાળા લોકો હોય.
‘આ રીતે ભારતે કરી પ્રગતિ’
ઇમરાને વધુમાં કહ્યું કે, ‘જ્યારે ભારત અને ચીન બંનેની પ્રગતિ શરૂ થઈ ત્યારે તેઓએ સૌપ્રથમ એવું વાતાવરણ બનાવ્યું કે જેમાં વિદેશમાં સ્થાયી થયેલા તેમના જ લોકો સૌથી પહેલા રોકાણ કરે. આ પછી દુનિયાભરમાંથી રોકાણકારો આવ્યા. અત્યારે આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે પાકિસ્તાનનું કાયદાનું શાસન 140 દેશોમાંથી 129મા નંબરે છે. જ્યારે આપણે 129માં નંબર પર હોઈશું ત્યારે અહીં કોઈ રોકાણ નહીં કરે. એ જ પાકિસ્તાનીઓ દુબઈ જઈને પ્રોપર્ટી ખરીદે છે. એ જ પાકિસ્તાનીઓ વેપાર અર્થે દુબઈ, અમેરિકા, યુરોપ જાય છે.