વાત છે 1977ની લોકસભાની ચૂંટણી ટાણેની.19 મહિનાની ઈમરજન્સી બાદ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. ઈમરજન્સી પછી આવેલી ચૂંટણીઓમાં ઈન્દીરા ગાંધી રાયબરેલીમાંથી હારી ગયા હતા. અહેમદ પટેલે ઈન્દીરા ગાંધી સમક્ષ ભરુચ લોકસભાની સીટ પરથી રાજીનામું આપી ખાલી કરવાની જાહેરાત કરી હતી. બસ, આ ઘટના પછી અહેમદ પટેલ નહેરુ કુટુંબના પ્રિતીપાત્ર બની ગયા હતા. ઈન્દીરા ગાંધી માટે ભરુચની સીટ ખાલી કરવાની વાતે રાજકારણમાં મોટો ધડાકો કર્યો હતો. ઈન્દીરા ગાંધીને લઈ અહેમદ પટેલે કરેલી આ જાહેરાત તેમને ગાંધી કુટુંબને એકદમ નજીક લઈ આવી. ત્યાર બાદ તેમણે પાછા વળીને જોયું ન હતું. ઈન્દીરા ગાંધી,રાજીવ ગાંધી અને છેક સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીના તેઓ ખૂબજ વિશ્વાસુ રહ્યા અને કોંગ્રેસમાં બેક ડોરથી સર્વેસર્વા બની રહ્યા.
મહંમદ ઈશાકજી અને હવ્વાબેન પટેલનું ત્રીજું સંતાન એટલે બાબુભાઈ અટેલે અહેમદપટેલ. જ્યાં સુધી લોકસભાની ટીકીટ ન મળી ત્યાં સુધી અંકલેશ્વર અને ભરૂચમાં બાબુભાઈ નામથી અહેમદ પટેલ પ્રખ્યાત થયા અને તેમના નિધન સુધી તેમના નજીકના મિત્રો તેમને બાબુભાઈ તરીકે જ બોલવતા રહ્યા. તેમના પિતાને પણ કાંતિભાઈનું હુલામણું નામ મળ્યું હતું. આમ તો સુન્ની વ્હોરા સમાજમાં એક યા બીજી રીતે ગામડાઓમાં સંબોધન કરવાની અને હુલામણા નામ પાડવાનો ચીલો હતો. 1977 બાદ 1982 અને 1989 સુધી અહેમદ પટેલ લોકસભાનાં સાંસદ રહ્યા અને ત્યાર બાદ તેઓ પાંચ વખત રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત રહ્યા.
અહેમદ પટેલનો જન્મ અંકલેશ્વરના પિરામણ ગામે થયો હતો. સુખી કુટુંબના હોવાથી ભણતરમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. અહેમદ પટેલે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. બાળપણ ભરુચમાં વીત્યું અને ત્યાં જ ઉછેર થયો. અંકલેશ્વર મકતબમાંથી ઈસ્લામિક તાલીમ હાંસલ કરી. અંકલેશ્વર પંચાયતમાં સૌ પ્રથમ વખત ઉભા રહ્યા અને પ્રમુખ બન્યા હતા.
અહેમદ પટેલના પિતા મહંમદ પટેલ સામાજિક કાર્યકર હતા અને તે વખતના ભરૂચ જિલ્લા પંચાયતમાં સક્રીય હતા. તે વખતે ભરૂચ લોકસભાનું પ્રતિનિધિત્વ માનસિંહ રાણા કરતા હતા. આમ તો કરજણથી લઈ વાગરા સુધી તે સમયે કણબી પટેલ અને ક્ષત્રિય નેતાઓની બોલબાલા હતું. ભરૂચ લોકસભાના ઈતિહાસ પર નજર નાંખીએ તો આ સીટ ભાજપનો ગઢ બને તે પહેલાં કોંગ્રેસનો ગઢ હતી. ત્રણ વખત ચંદ્રશેખર ભટ્ટ, બે વાર માનસિંહ રાણા આ સીટ પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા.
1977માં અહેમદ પટેલને ટીકીટ મળવાની દાસ્તાન પણ કોઈ થ્રીલરથી ઓછી નથી.
બન્યું એવું હતું કે 1977માં ઈમરજન્સી પછી ચૂંટણી આવી. આ ચૂંટણીમાં ગુજરાતના નિરીક્ષક તરીકે કાશ્મીરના નેતા મીર કાસીમ હતા. મીર કાસીમ સમક્ષ એકી અવાજે કોંગ્રેસીઓએ ઈબ્રાહીમ મતાદાર નામને પસંદ કર્યું હતું. નામોની ફાઈનલ યાદી સુધી ઈબ્રાહીમ મતાદાર ભરુચ લોકસભાના ઉમેદવાર હોવાનું ત્યારના જીપીસીસી સેક્રેટરી પ્રબોધ રાવલે આગેવાનોને જણાવ્યું હતું.
પણ ઈબ્રાહીમ મતાદારનું નામ એક નેતાને પૂછ્યા વિના ફાઈનલ કરવામાં આવ્યું હતું અને એ નેતાનું નામ હતું હરિસિંહ મહીડા. હરિસિંહ મહીડાનો તે સમયે આખીય આદિવાસી પટ્ટી પર ડંકો વાગતો હતો. હરિસિંહને પૂછ્યા વિના ઈબ્રાહીમ મતાદારનું નામ ફાઈનલ કરવામાં આવતા હરિસિંહ બરાબરના ગિન્નાયા હતા. આવી સ્થિતિમાં હરિસિંહે માધવસિંહ સોલંકીનો તાત્કાલિક સંપર્ક કર્યો અને માધવસિંહને ખાનગીમાં અહેમદ પટેલનું નામ આપી રાખ્યું. માધવસિંહ બીજા દિવસે દિલ્હી પહોંચ્યા અને ઈબ્રાહીમ મતાદારની ટીકીટ કપાઈ ગઈ. ઈબ્રાહીમ મતાદારની જગ્યાએ અહેમદ પટેલની ટીકીટ આપવામાં આવી.
અહેમદ પટેલને આ વાત ભરૂચ તીનબત્તી પર ખૂમચાની લારી પર તે વખતનાં કોંગી અગ્રણી કનુભાઈ પટેલે જાણ કરતાં અહેમદ પટેલને ત્યારે વિશ્વાસ બેઠો ન હતો કે તેમને(અહેમદ પટેલ) લોકસભાની ટીકીટ મળી ગઈ છે. અહેમદ પટેલે વાતને મજાકમાં સમજી ઉડાવ દીધી હતી. પણ તરત જ પ્રબોધ રાવલને ફોન કરીને ટીકીટ અંગે કન્ફર્મેશન લેવામાં આવતા ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે અહેમદ પટેલનું જ નામ ફાઈનલ કરવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી હતી. આ વાતની જાણ અહેમદ પટેલના માતાજીને કરવામાં આવતા બે દિવસ સુધી તો અહેમદભાઈના માતા હવ્વાબેન આ વાત માન્યા ન હતા કે મારા દિકરાને લોકસભાની ટીકીટ મળી છે.આ વાત અહેમદભાઈના નજીકના જાણકારો જણાવી રહ્યા છે.
નાટકીય ઢબે હરિસિંહ મહીડા નામના ગોડફાધરના હાથે અહેમદ પટેલનો રાજકીય રાજકારણમાં ઉદય થયો.
((ક્રમશ:))