ડોક્ટર એટલે રૂપિયા કમાવાનું મશીન એવું કહેવાય છે પરંતુ ગુજરાતમાં એવાં પણ ડોક્ટરો છે કે જેઓ મની માઇન્ડેડ નથી. ઝાલોદ તાલુકાના ગામડી ગામના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગ ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે કે જેમને પોતાની હોસ્પિટલમાં દર મહિને એકવાર એટલે કે પ્રતિ માસની 9મી તારીખે મહિલાઓનું વિનામૂલ્યે નિદાન કરી આપે છે. આ ડોક્ટરે દાહોદમાં અભ્યાસ કરી અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાંથી સ્ત્રી રોગ તજજ્ઞની પદવી મેળવી છે. તેમણે પાંચ વર્ષ સુધી દાહોદની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી હતી.
સરકારી સેવામાં તેઓ આજે ઉચ્ચસ્થાને બિરાજમાન હોત પરંતુ તેમણે દાહોદ જિલ્લાની આદિવાસી સમાજની મહિલાઓની તંદુરસ્તી માટે કામ કરવાનું નક્કી કર્યું અને તેમણે સ્વતંત્ર હોસ્પિટલ શરૂ કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં તેમણે 8000થી વધુ આદિવાસી મહિલાઓનું વિનામૂલ્યે નિદાન કર્યું છે અને જરૂર પડ્યે વિનામૂલ્યે સારવાર કરી છે. દર મહિનાની 9મી તારીખે આ હોસ્પિટલમાં સરેરાશ 200 મહિલાઓ સારવાર માટે આવતી હોય છે.