સાયરા બાનુ : તીન તલાક પદ્ધતિ વડે છૂટાછેડા આપવામાં આવેલી અને એ પ્રથાને કોર્ટમાં પડકારનારી મહિલાઓમાંથી એક ઉત્તરાખંડની સાયરા બાનુએ આ ચુકાદાને વધાવી લેતાં જણાવ્યું હતું કે આજે મને મુક્તિનો અહેસાસ થાય છે, મારી પાસે અનેક મુસ્લિમ મહિલાઓને આઝાદીનો અનુભવ કરાવનારો સર્વોચ્ચ અદાલતનો આદેશ છે.
ઉતરાખંડના કાશીપુરની રહેવાસી સાયરા બાનુએ ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને તીન તલાક અને નિકાહ હલાલાની પ્રથાઓની બંધારણીય યોગ્યતાને પડકારી હતી. સાયરા બાનુએ અરજીમાં મુસ્લિમોમાં એકથી વધારે સ્ત્રીઓ સાથે લગ્નની પ્રથાનો પણ અંત લાવવાની માગણી કરી હતી. કુમાઉં યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનની ડિગ્રી ધરાવતી સાયરા બાનુનાં ૨૦૦૧માં લગ્ન થયાં હતાં. ૨૦૧૫ની ૧૦ ઑક્ટોબરે તેના પતિએ તેને તલાક આપી દીધા હતા. એક દીકરા અને એક દીકરીની મધર સાયરા બાનુ અત્યારે તેના પેરન્ટ્સની સાથે રહે છે. બાળકોના ભણતર અને ભરણપોષણના ખર્ચની સાયરા બાનુને ચિંતા છે. સાયરા બાનુએ પેરન્ટ્સની મદદથી દિલ્હી પહોંચીને ઍડ્વોકેટ બાલાજી શ્રીનિવાસનને મળીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આફરીન રહમાન : જયપુરની રહેવાસી પચીસ વર્ષની આફરીન રહમાને પણ તીન તલાકને મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આફરીનને ઇન્દોરમાં રહેતા પતિએ સ્પીડપોસ્ટ દ્વારા છૂટાછેડા આપ્યા હતા. એ છૂટાછેડાને અયોગ્ય ગણાવતાં આફરીને કોર્ટ પાસે ન્યાય માગ્યો હતો. પતિ તથા સાસરાપક્ષનાં અન્ય સગાં દહેજની માગણી કરતાં હતાં અને તેમણે મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકી હોવાનું પણ આફરીને અરજીમાં જણાવ્યું હતું.
આતિયા સાબરી : ઉત્તર પ્રદેશના સહારનપુરની રહેવાસી આતિયા સાબરીના પતિએ તેને કાગળ પર ત્રણ વખત તલાક શબ્દ લખીને સંબંધ તોડ્યો હતો. ૨૦૧૨માં લગ્ન થયા પછી તેને બે બાળકીઓ જન્મી હતી. બે દીકરીઓ જન્મવાને કારણે પતિ અને સસરા તેને ઘરમાંથી કાઢી મૂકવા ઇચ્છતા હોવાનો અને દહેજ માટે પરેશાન કરવાનો આરોપ પણ આતિયાએ મૂક્યો છે.
ગુલશન પરવીન : ઉત્તર પ્રદેશના રામપુરમાં રહેતી ગુલશન પરવીનને તેના પતિએ ૧૦ રૂપિયાના સ્ટૅમ્પ-પેપર પર તલાકનામું મોકલી દીધું હતું. ૨૦૧૩માં ગુલશનનાં લગ્ન થયાં હતાં અને તેને બે વર્ષનો દીકરો પણ છે.
ઇશરત જહાં : પશ્ચિમ બંગાળના હાવડાની રહેવાસી ઇશરત જહાંએ તીન તલાકને પડકારતી અરજીમાં જણાવ્યું હતું કે તેના પતિએ તેને દુબઈથી ફોન પર તલાક આપ્યા હતા. ૨૦૦૧માં ઇશરતનાં લગ્ન થયાં હતાં. તેને બાળકો પણ છે. બાળકોને પતિએ બળજબરીથી પોતાની પાસે રાખ્યાં છે. અરજીમાં ઇશરતે બાળકાને પાછાં મેળવવાની અને પોતાને પોલીસ-રક્ષણ ફાળવવાની પણ માગણી કરી છે. અરજીમાં તીન તલાકને ગેરકાયદે અને મુસ્લિમ મહિલાઓના અધિકારોનો ભંગ કરનારી પ્રથા ગણાવતાં એ પ્રથાનો અંત લાવવાની માગણી કરવામાં આવી છે.