અનંતનાગ: જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતનાં અમરનાથ યાત્રીઓ લઇ જતી બસને નિશાન બનાવી આજે સોમવારે અનંતનાગ જિલ્લાના બાનટિંગૂમાં બે જુદાજુદા સ્થાનો પર હુમલો કર્યો હતો. જેમાં ગુજરાતી યાત્રાળુઓ સહિત 7 લોકોના મોત અને 15 લોકો ઘાયલ થયા છે.
ગુજરાતથી અમરનાથ યાત્રીઓને લઇ જતી આ બસનું અમરનાથ શ્રાઇન બોર્ડમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યુ ન હતું તથા સુરક્ષાદળો દ્વારા અમરનાથ યાત્રીઓના જે કાફલાને સુરક્ષા અપાય છે તેનો પણ આ બસ હિસ્સો ન હતી. આ બસ વલસાડ ઓમ ટ્રાવેલ્સની છે અને આ ટુરના ઓપરેટર જીવાભાઇ સહિતના ગુજરતીઓને પણ ગોળી વાગી છે.
આતંકવાદી હુમલા બાદ શ્રીનગર-જ્મ્મૂ હાઇવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. અમરનાથ યાત્રા શરુ થયેલા પહેલા જ ગુપ્તચર એજંસીઓએ તેના પર આતંકવાદી હુમલાની શંકા વ્યક્ત કરી હતી. જેના પગલે લગભગ 40 હજાર જવાનોને આ યાત્રાની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકી હુમલા અંગે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ હુમલાથી ભારત ડરવાનું નથી. આતંકી હુમલામાં મૃત્યુ પામેલા યાત્રીઓના પરિવાર પ્રત્યે મારી સહાનુભૂતિ છે અને દુખ પ્રગટ કરુ છું. જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી અને ગવર્નર સાથે મેં વાત કરી છે અને તમામ જરૂરી મદદ પુરી પાડવા કહ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ આતંકી હુમલાની નિંદા કરતાં કહ્યું છે કે આ હુમલો માનવતા વિરૂદ્ધ અપરાધ છે અને આ હુમલાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે.