ક્લોરપાયરીફોસ એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે અને તેનો ઉપયોગ કૃષિ પાક, પ્રાણીઓ પર અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર કરવામાં આવે છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે તે વપરાય છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે, કેમ કે તેનાથી જીવસૃષ્ટિનો ખતરો છે. ક્લોરપાયરીફોસનો ઉપયોગ કૃષિ અને બિન-કૃષિ બંને ક્ષેત્રમાં 1965થી જંતુનાશક તરીકે કરવામાં આવે છે.
ક્લોરપાયરીફોસને 1966માં ડાઉ કેમિકલ કંપની દ્વારા પેટન્ટ આપવામાં આવ્યું હતું. મકાઇમાં તેનો સૌથી વધુ વપરાશ થાય છે. સોયાબીન, ફળ, અખરોટ, બ્રોકોલી અને કોબીજ જેવા તમામ પાકોમાં પણ થાય છે. બિન-કૃષિ ઉપયોગમાં ગોલ્ફ કોર્સ, ટર્ફ, ગ્રીન હાઉસ અને લાકડાની સારવાર માટે તે વપરાય છે. મચ્છર મારવા અને બાળ પ્રતિરોધક પેકેજિંગમાં કીડી જેવા જંતુને આવતાં રોકવા વપરાય છે. તેનો પાઉડર અને પ્રવાહીમાં બજારમાં મળે છે. તેની અસરથી માનવ શરીરની નર્વસ સિસ્ટમ બગડે છે.
સંશોધકો કહે છે કે તેની સૌથી વધુ અસર માછલી, પક્ષીઓ, મહિલાઓ અને બાળકોને થાય છે. એટલું જ નહીં તે જમીનમાં જાય ત્યારે વર્ષો સુધી તેની અસર હોવાને કારણે ભૂગર્ભજળમાં પણ જાય છે. સંશોધકો તેમજ વૈજ્ઞાનિકો કહે છે કે ક્લોરપાયરીફોસનો ઉપયોગ મર્યાદિત કરવો જોઇએ કે જેથી તેની ઘાતક અસરો ઓછી કરી શકાય.