બૅન્ગલોરના રિસૉર્ટમાં ઘેરી રાખવામાં આવેલા ગુજરાતના ૪૪ વિધાનસભ્યોમાંથી ત્રણ વિધાનસભ્યોએ તેમના મતવિસ્તારોમાં પૂરને કારણે ભારે વિનાશ થતાં એ વિસ્તારોની મુલાકાત લેવા માટે જવાની જીદ કર્યા પછી ભારે હંગામો થયો હતો. રિસૉર્ટમાંથી રવાના થવાનો આગ્રહ રાખતા ત્રણ વિધાનસભ્યોએ તેમના યજમાન નરેશ રાવલે રોકતાં તેમનો પ્રતિકાર કર્યો હતો. મામલો વણસતાં તેમણે યજમાન સાથે ઝઘડો પણ કર્યો હતો.
બધા વિધાનસભ્યોને તેમના મોબાઇલ ફોન્સ પણ યજમાનને સોંપી દેવા જણાવવામાં આવ્યું હતું.
કૉન્ગ્રેસનું કર્ણાટક એકમ ગુજરાતના એ ૪૪ કૉન્ગ્રેસી વિધાનસભ્યોને આજે મૈસૂર કે મડીકેરીના વધારે સલામત રિસૉર્ટમાં શિફ્ટ કરે એવી શક્યતા છે. કર્ણાટક પ્રદેશ કૉન્ગ્રેસના હોદ્દેદારો હવે રાજ્યના ઊર્જા વિભાગના પ્રધાન ડી. કે. શિવાકુમારની સિંગાપોરથી રાજ્યમાં પાછા આવવાની રાહ જુએ છે.
- કોઈ પક્ષપલટો ન કરે એ માટે ગુજરાત કૉન્ગ્રેસના ૪૪ વિધાનસભ્યોને કર્ણાટકના રિસૉર્ટમાં લઈ જવામાં આવ્યા
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના વિધાનસભ્યો મોજમજા કરવા નથી ગયા. BJPના ત્રાસને કારણે ૪૪ વિધાનસભ્યો બૅન્ગલોર ગયા છે. BJPના પાપે દબાણનો સામનો કરવો પડવાનો વારો આવતાં વિધાનસભ્યો ત્યાં ગયા છે. BJPના વાંકે વિધાનસભ્યોએ ત્યાં જવાનો નિર્ણય કર્યો છે.’
BJPએ મેલી મુરાદથી તોડફોડની શરૂઆત કરી છે. એણે લોભ, લાલચ, ધાક–ધમકી અને અધિકારીઓની મદદ લઈને કૉન્ગ્રેસના વિધાનસભ્યોને તોડવાના પ્રયાસ શરૂ કર્યા છે. કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઑફિસર દ્વારા લોભ-લાલચના દબાણ શરૂ થતાં બધા વિધાનસભ્યોને લાગ્યું કે આપણે સાથે રહેવું જોઈએ અને બધા વિધાનસભ્યોએ ભેગા મળીને નક્કી કર્યું કે ક્યાં જવું? BJPશાસિત રાજ્યોમાં વિધાનસભ્યોની સલામતી નહોતી એટલે પંજાબ જવું કે કર્ણાટક એમ વિચારી કર્ણાટક જવાનું નક્કી કર્યું અને ત્યાં ગયા છે. ૪૪ વિધાનસભ્યો ભેગા થયા છે એટલે BJPથી કશું થઈ શકે એમ નથી.
- કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ મોબાઇલ આપી દીધા કે લઈ લીધા?
૬ વિધાનસભ્યોની વિકેટ પડ્યા બાદ બચાવની હરકતમાં આવી ગયેલી કૉન્ગ્રેસ પાર્ટીએ રાતોરાત તેના વિધાનસભ્યોને બૅન્ગલોર મોકલી દીધા છે અને કહેવાય છે કે આ બધા વિધાનસભ્યોના મોબાઇલ ફોન લઈ લેવામાં આવ્યા છે.
જોકે ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રભારી અશોક ગેહલોટે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘અમે અમારા વિધાનસભ્યોનું પ્રોટેક્શન કરીએ છીએ અને વિધાનસભ્યોએ તેમના મોબાઇલ ફોન પણ આપી દીધા છે. ડરને કારણે આ નોબત આવી છે અને બધાએ સાથે રહેવાનું નક્કી કર્યું છે. યેનકેન પ્રકારેણ કેવી રીતે રાજ્યસભા અને વિધાનસભા જીતાય એ માટે ખરીદ ફીરોત કરી રહ્યા છે. જે નાટક ચાલે છે એ લોકોની સામે જ છે.’
- ચૂંટણીપંચે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે BJP કૉન્ગ્રેસના વિધાનસભ્યોને ફોડી રહી છે એવી કૉન્ગ્રેસની ફરિયાદને પગલે ઇલેક્શન કમિશને ગુજરાત સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. ગુજરાતના ચીફ સેક્રેટરીને આવતી કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રિપોર્ટ ફાઇલ કરવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણીપંચે તમામ વિધાનસ્ાભ્યો અને તેમના પરિવારની યોગ્ય સલામતીનું ધ્યાન રાખવાની પણ સૂચના ગુજરાત સરકારને આપી છે.