પેટ્રોલ-ડીઝલના ભાવમાં કમરતોડ વધારાથી પરેશાન ભારતીયોએ માટે એક ચિંતાજનક સમાચાર છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક અને અન્ય સહયોગી દેશોએ પોતાના તેલ ઉત્પાદનની ક્ષમતામાં એપ્રિલ મહિના સુધી કોઈ પણ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ નિર્ણય લેવામાં આવ્યો છે કે કાચા તેલના ઉત્પાદનમાં કપાત ચાલુ જ રહેશે. ઓપેક દેશોના આ નિર્ણયથી વિશ્વભરમાં અસર પડશે. સૌથી વધારે અસર ભારતમાં પડશે કારણ કે અત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો 90 અને 100ને પાર જતી રહી છે.
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં અર્થતંત્રને જોરદાર ફટકો પડ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ઓપેક દેશોએ પોતાના ઉત્પાદનમાં કોઈ પણ બદલાવ ન કરવાનો નિર્ણય કર્યો છે. સાઉદી અરબના નેતરુવત નેતૃત્વમાં કરવામાં આવેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો જે બાદ કાચા તેલની કિંમતમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
સાઉદી અરબ દ્વારા તેલના ઉત્પાદનમાં દરરોજ દસ લાખ બેરલનો કાપ મૂકવામાં આવશે, જે એપ્રિલ મહિના સુધી ચાલુ જ રહેશે. આગામી બેઠક હવે એપ્રિલ મહિનામાં થવાની છે જેમાં આગામી નિર્ણય લેવામાં આવશે. બજારના એક્સપર્ટનું માનવું છે કે ઉત્પાદન જેમ જેમ ઓછું થશે તેમ કાચા તેલની કિંમતમાં વધારો જોવા મળશે. અમેરિકા માં કાચા તેલની કિંમત વધીને 64.70 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
ઓપેક દેશોના આ નિર્ણયથી ભારત સરકારનું ટેન્શન વધી શકે છે. સરકારને એવી આશા હતી કે ઉત્પાદન જ્યારે વધશે ત્યારે કિંમતો આપમેળે ઓછી થઈ જશે અને ટેક્સ ઓછું કરવાની જરૂર નહીં પડે. ગુરુવારે મીટિંગમાં પણ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક દેશોને એમ કહ્યું હતું કે ઉત્પાદન વધારીને કિંમતોને રોકવામાં આવે.
નોંધનીય છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો જે રીતે વધી રહી છે તે બાદ પેટ્રોલ ડીઝલને GST હેઠળ લાવી દેવા માટે માંગ કરવામાં આવી રહી છે. જો પેટ્રોલ ડીઝલ પર જીએસટી લાગે તો પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટી શકે છે.