વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર વિશ્વને ભારતની શક્તિનો અહેસાસ કરાવ્યો છે. કર્ણાટકના હુબલીમાં એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું કે હવે એવું ભારત નથી રહ્યું જે ત્રિરંગાનું અપમાન સહન કરે. આ દરમિયાન જયશંકરે લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તિરંગાના કથિત અપમાન અને ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલા હોબાળા માટે બ્રિટિશ પ્રશાસન પર પણ ઉગ્ર નિશાન સાધ્યું હતું.
“હાઈ કમિશનરે પહેલા કરતા પણ મોટો ત્રિરંગો ફરકાવ્યો”
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે થોડા દિવસો પહેલા લંડન, કેનેડા અને સાન ફ્રાન્સિસ્કોમાં કેટલીક ઘટનાઓ જોવા મળી છે. જ્યારે આ ઘટના બની ત્યારે અમારા હાઈ કમિશનરે આખી ઈમારત પર પહેલા કરતા મોટો રાષ્ટ્રધ્વજ લગાવી દીધો. આજનું ભારત નહીં સ્વીકારે કે રાષ્ટ્રધ્વજ નીચે ખેંચવામાં આવે. ઘટનાના દિવસે, અમારા હાઈ કમિશનરે તે ઈમારત પર પહેલા કરતા મોટો રાષ્ટ્રધ્વજ લગાવી દીધો. આ માત્ર ખાલિસ્તાનીઓ માટે જ નહીં પરંતુ બ્રિટિશ લોકોને પણ યોગ્ય જવાબ હતો. આ એ વાતનું પ્રતીક છે કે આ અમારો રાષ્ટ્રધ્વજ છે અને જો કોઈ તેનો અનાદર કરવાનો પ્રયાસ કરશે તો અમે તેનાથી મોટો ધ્વજ લગાવી દઈશું. આજે એક અલગ ભારત છે, એક એવું ભારત જે ખૂબ જ જવાબદાર અને ખૂબ જ મજબૂત પણ છે.
“ભારત ખૂબ જ સંકલ્પબદ્ધ હોવાની સાથે ખૂબ જ જવાબદાર પણ”
કર્ણાટકના ધારવાડમાં, વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે કહ્યું કે ભારત એવો દેશ નથી કે જે તેના રાષ્ટ્રધ્વજનું અપમાન સહન કરે; કારણ કે આ દેશ ‘ખૂબ જ સંકલ્પબદ્ધ’ હોવાની સાથે સાથે ‘ખૂબ જ જવાબદાર’ પણ છે. તમને જણાવી દઈએ કે લંડનમાં બનેલી ઘટના બાદ ભારતે પોતાના રાજદ્વારી મિશનની સુરક્ષાને લઈને બ્રિટિશ સરકાર સમક્ષ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પરિસરમાં પૂરતી સુરક્ષા ન હોવા પર સવાલ ઉઠાવ્યા હતા.