ગટર સફાઈ માટે મશીન ન હોય તો જ્યાં છે ત્યાંથી જેટિંગ ઉપલબ્ધ કરાવાશે : મંત્રી ૩૩માંથી ૨૦ જિલ્લામાં જેટિંગ, દરેક જિલ્લામાં એક મશીન કાર્યરત કરાવવા નિર્ણય ભરૂચના દહેજમાં ગટર સફાઈ દરમિયાન ત્રણ કામદારોના મૃત્યુની ઘટના બાદ ગુજરાત સરકારે દરેક જિલ્લામાં ઓછામાં ઓછુ એક જેટિંગ મશીન કાર્યરત કરાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં જે પાલિકા કે પંચાયત પાસે ગટર સફાઈ માટે જેટિંગ મશીન ન હોય તેવી સંસ્થાને જે સંસ્થા પાસેથી અથવા તો ઉપલબ્ધ હોય તેવા જિલ્લામાંથી આવુ મશીન મેળવીને સફાઈ કરાવવા આદેશ થયો છે. તેમ જણાવાતા પ્રવક્તા મંત્રી રૂષિકેશ પટેલે હાલમાં ૩૩ પૈકી ૨૦ જિલ્લામાં જેટિંગ મશીન છે, તેના વ્યવસ્થાપન માટે આવી સુચના આપ્યાનું જાહેર કર્યુ હતુ. દહેજ પંચાયતમાં સફાઈ માટે મંગળવારે ગટરમાં ઉતારવામાં આવેલા ત્રણ શ્રમિકોના ગુંગમણને કારણે મોત નિપજ્યા હતા. આ પહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશમાં પણ ગટર સફાઈ કરવા ભૂગર્ભમાં ઉતારવામાં આવેલા બે કામદારોના મોત નિપજ્યા હતા. સલામતીના સાધનો વગર ગટરમાં માણસો મારફતે સફાઈ કરાવવી એ પ્રતિબંધિત છે. ભારતમાં ગટરમાં સફાઈ વેળાએ મૃત્યુની ઘટનાઓ સૌથી વધુ ગુજરાતમાં નોંધાઈ રહી છે. આ તબક્કે રાજ્ય સરકારે ત્રણેક વર્ષ અગાઉથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગર પાલિકાઓ અને પંચાયત સ્તરે જિલ્લાથી લઈને છેક તાલુકા સ્તર સુધી કરોડોના ખર્ચે જેટિંગ મશીનો ફાળવ્યા છે. અમદાવાદ જેવા શહેરમાં ગટરની સફાઈ માટે રોબેટિક મશીન પણ વસાવવામાં આવ્યુ છે. રાજ્યમાં ગટર સફાઈ દરમિયાન સફાઈ કામદારોના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યુ છે. કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી રૂષિકેશ પટેલે મિડિયા સમક્ષ કહ્યુ કે, ૧૩ જેટલા જિલ્લામાં ગટર સફાઈ માટે જેટિંગ મશીન નથી. સરકારે નિર્ણય કર્યો છે કે દરેક જિલ્લામાં એક જૈટિંગ મશીન કાર્યરત કરવામાં આવે. તેના માટે શહેરી વિકાસ, પંચાયત વિભાગને સુચના અપાઈ છે. જે તાલુકા પંચાયત કે ગામ પંચાયત પાસે મશીન ન હોય તેમને નજીકની નગરપાલિકા કે જિલ્લામાંથી નિયત દરે મશીન ઉપલબ્ધ કરાવાશે.
