[highlight]મે માસમાં રિટેલ ફુગાવો ૨.૧૮ ટકાની ઓલટાઇમ નીચી સપાટીએ[/highlight]
મે મહિનામાં રિટેલ મોંઘવારી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી જતાં સામાન્ય લોકોને મોટી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે. મોંઘવારીમાં લોકોનેે રાહત મળી શકે છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો નોંધાવવાના કારણે મે મહિનામાં રિટેલ ફુગાવો ૨.૧૮ ટકાની રેકોર્ડ નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. શાકભાજી અને કઠોળની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, ફળફળાદિના ભાવમાં આંશિક વધારો થયો છે. વસ્ત્રો, આવાસ, ફ્યુઅલ અને લાઇટના ફુગાવામાં ઘટાડો થયો છે. રિટેલ ફુગાવો મે મહિનામાં ૨.૧૮ ટકાની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચી ગયો છે.
સીપીઆઈ આધારિત રિટેલ ફુગાવો એપ્રિલ ૨૦૧૭માં ૨.૯૯ અને મે ૨૦૧૬માં ૫.૭૬ ટકા હતો. એકંદરે ખાદ્યાન્ન ફુગાવો નેગેટિવ ઝોનમાં માઇનસ ૧.૦૫ ટકા રહ્યો છે. શાકભાજીના ભાવમાં ૧૩.૪૪ ટકા સુધીનો રેકોર્ડ ઘટાડો થયો છે. આવી જ રીતે કઠોળ અને પ્રોડક્ટની કિંમતમાં ૧૯.૪૫ ટકાનો ઘટાડો થયો છે. આ મહિનાની શરૃઆતમાં જ રિઝર્વ બેંકે રેપોરેટ અને અન્ય ચાવીરુપ રેટ યથાવત રાખ્યા હતા. તમામ ચાવીરુપ રેટમાં સીઆરઆર, રિવર્સ રેપોરેટ, બેંકરેટ યથાવત રખાયા હતા. ગ્રાહક મોંઘવારી દરના આંકડાને નક્કી કરવા માટે ૨૦૧૨માં બેઝ એયર નક્કી કરવાનો નિર્ણય કરાયો હતો. ત્યારબાદથી ફુગાવો સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. હવામાન વિભાગ તરફથી મોનસુનની સારી સ્થિતિના અંદાજ બાદ તેની પણ અસર રહી છે. ભવિષ્યમાં પણ મોંઘવારીનો દર નીચી સપાટીએ રહી શકે છે.
જૂનથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન મોનસુન સિઝનમાં ભારતમાં ૭૦ ટકા વરસાદ થાય છે. મોનસુન વરસાદ યોગ્ય રહેશે તો કૃષિ પેદાશના કારણે મોંધવારીને કાબૂમાં લેવામાં સફળતા મળશે. છેલ્લા વર્ષની સરખામણીમાં ખાદ્યાન્ન કિંમતોમાં ઘટાડો થયો છે. જીડીપીની વાત કરવામૌં આવે તો તેમાં પણ માર્ચ ત્રિમાસિક ગાળામાં બે વર્ષમાં સૌથી ઓછો ૬.૧ ટકાનો ગ્રોથરેટ જોવા મળ્યો હતો. જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથરેટ ૭ ટકા હતો. એપ્રિલ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર ૩.૧ ટકા રહ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક આવતીકાલ મંગળવારથી બે દિવસ માટે શરૃ થઇ રહી છે જેમાં આ વર્ષના બીજા તબક્કા માટે વ્યાજદરમાં વધારો કરવામાં આવી શકે છે. કેટલાક માઇક્રો ઇકોનોમિક આંકડા સંકેત આપે છે કે, વિશ્વની સૌથી મોટી ઇકોનોમી દ્વારા હાલ વ્યાજદરને વધારવામાં આવશે નહીં. ગયા મહિનામાં પોલિસી બેઠકમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટને યથાવત ૦.૭૫ ટકા અને એક ટકા વચ્ચે રાખવામાં આવ્યા હતા. પોલિસી નિષ્ણાતો માની રહ્યા છે કે, રેટમાં વધારો થઇ શકે છે. બેંક ઓફ જાપાનની પોલિસી બેઠક શુક્રવારના દિવસે મળનાર છે. જેમાં ટાર્ગેટના સંદર્ભમાં વાતચીત કરવામાં આવનાર છે. ચાવીરૃપ આર્થિક આંકડા જારી કરવામાં આવે તે પહેલા શેરબજારમાં કારોબારી હાલામાં સાવધાનીપૂર્વકનુ વલણ અપનાવી શકે છે. વધારે રોકાણ કરશે નહી. વૈશ્વિક બજારમાં હાલ અંધાધુંધી નોંધાઇ રહી છે. શેરબજારમાં પ્રવાહી સ્થિતિનો દોર હાલમાં જારી રહ્યો છે.