હવામાન વિભાગની આગાહી મુજબ હજી ૪૮ કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે
એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ ઍક્ટિવ થતાં ગુરુવારથી શરૂ થયેલા અને શુક્રવાર રાતથી રૌદ્ર રૂપ ધારણ કરી લેનારા વરસાદે ગઈ કાલે પણ વરસવાનું ચાલુ રાખ્યું હતું. અલબત્ત, ગઈ કાલ સવારથી વરસાદનું જોર ઘટ્યું હતું; પણ ઘટેલા આ જોર વચ્ચે ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ત્રણ સિસ્ટમમાંથી માત્ર એક જ સિસ્ટમની અસર ઓછી થઈ હોવાથી હજી પણ આવતા ૪૮ કલાક દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી સંભાવના છે. ગુજરાતના હવામાન વિભાગની આગાહી સાથે જ ગુજરાતના તમામ સરકારી અધિકારીઓની રજા વધુ ત્રણ દિવસ માટે રદ કરી દેવામાં આવી છે તો જાહેર ચેતવણી સાથે સૌકોઈને વિના કારણ હાઇવેનું ટ્રાવેલિંગ ન કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. ભારે વરસાદ જે કોઈ જિલ્લામાં સહન કરવામાં આવ્યો છે એ જિલ્લામાં મંગળવાર સુધી સ્કૂલમાં પણ રજા જાહેર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે તો માળિયા અને સુરેન્દ્રનગર જિલ્લાની સ્કૂલોમાં બેથી દસ દિવસની રજા જાહેર કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.
શનિવાર રાતથી ગઈ કાલે સવાર સુધીમાં અમદાવાદ, ડીસા, ગાંધીનગર, ઈડર, વલ્લભવિદ્યાનગર, અમરેલી, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણથી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો; પણ ગઈ કાલે દિવસ દરમ્યાન મોટા ભાગના ગુજરાતમાં હળવાં ઝાપટાં પડ્યા હતા. ડીસામાં ત્રણ ઇંચ, રાજકોટમાં ત્રણ ઇંચ, જામનગરમાં અઢી ઇંચ અને અમરેલીમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં ગુજરાતનાં ૧૯૮ ગામોમાંથી ૫૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે તો છેલ્લા ત્રણ દિવસના ભારે વરસાદમાં મરણાંક ચાર પર અને સીઝનનો મરણાંક ૧૪ પર પહોંચ્યો છે.