ગતરોજ ભાજપપ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં હાલના ૨૮૨ સભ્યના સંખ્યાબળને અતિક્રમીને વધુ બેઠક હસ્તગત કરશે. ભાજપ સામે વિસ્તૃત મોરચો રચીને ટક્કર લેવાનો સખત પ્રયાસ કરતા વિરોધપક્ષોનો કોઈ પણ ગજ વાગશે નહીં, પડકારને પક્ષ પહોંચી વળશે. તેમણે ગુજરાતની ચૂંટણીમાં પણ વિજય રૂપાણી મુખ્ય પ્રધાનપદના પક્ષના ઉમેદવાર હશે, એવો સંકેત આપ્યો હતો.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં હરીફ પક્ષોનો પછડાટ આપીને ઝળહળતો વિજય ચૂંટણીઓમાં મળ્યો એ બાદ આત્મવિશ્વાસથી છલકાતા શાહે જણાવ્યું હતું કે ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ કરીને ભારે સફળતા મેળવી હતી. એટલું જ નહીં, પશ્ચિમ બંગાળ, તેલંગણાના, ઓડિશા અને કેરળ જેવા રાજયોમાં પણ ભાજપના દેખાવમાં સુધારો થયો છે. દરમિયાન કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પા આવતા વર્ષના પ્રારંભમાં રાજયમાં નિર્ધારિત રીતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર હશે, એમ પક્ષ પ્રમુખ અમિતભાઇ શાહે જણાવ્યું હતું. શાહે એવો પણ નિર્દેશ કર્યો હતો કે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજયમાં ટોચના હોદ્દા માટે પક્ષની પસંદગી રહેશે.