સ્વાઇન ફ્લુએ વર્તાવેલા કાળા કેર વચ્ચે ગઈ કાલે ૧૭ લોકોનાં મોત થવાથી ગુજરાતની હેલ્થ-મિનિસ્ટ્રીએ શ્રાવણ મહિનામાં ચાલતા તમામ મેળાઓ બંધ કરાવ્યા : જો કાબૂમાં નહીં આવે તો ગવર્નમેન્ટ ઑડિટોરિયમ, થિયેટર્સ, મલ્ટિપ્લેક્સ પણ બંધ કરવામાં આવશે
ગુજરાતમાં પ્રસરી રહેલા અને બેકાબૂ બનતા જતા સ્વાઇન ફ્લુનું ઇન્ફેક્શન વધારે ફેલાય નહીં એ હેતુથી ગઈ કાલે ગુજરાત સરકારે ગુજરાતમાં ચાલી રહેલા કુલ ૨૭ નાના-મોટા મેળા તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ જારી કરતાં આ મેળાઓનો ગઈ કાલે છેલ્લો દિવસ બની ગયો હતો. શ્રાવણ મહિનામાં ગુજરાતમાં મેળાની મોસમ શરૂ થતી હોય છે જેનું આયોજન સામાન્ય રીતે સ્થાનિક કલેક્ટરેટ દ્વારા કરવામાં આવતું હોય છે તો છેલ્લા થોડા સમયથી પ્રાઇવેટ મેળાનું ચલણ પણ શરૂ થયું છે. સ્વાઇન ફ્લુને કારણે સરકારી અને પ્રાઇવેટ મેળાઓ બધું જ બંધ કરવાનો ઑર્ડર અપાતાં ગુજરાતમાં ચાલતા ૨૭ મેળાઓ એના પૂરા થવાના બેથી વીસ દિવસ પહેલાં જ બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રાઇવેટ મેળાઓની બાબતમાં રાજકોટ સૌથી આગળ હતું. રાજકોટમાં સાત પ્રાઇવેટ મેળા ચાલુ હતા જે દસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાના હતા, પણ હવે એય બંધ કરી દેવામાં આવ્યા છે.
સ્વાઇન ફ્લુના કારણે ગુજરાતમાં ગઈ કાલે વધુ ૧૭ લોકોનાં મોત થયાં હતાં તો ગઈ કાલના એક જ દિવસમાં ૨૩૪ નવા કેસ નોંધાતાં ગવર્નમેન્ટે સ્વાઇન ફ્લુના વાઇરસ વકરે નહીં એ માટે આ નિર્ણય લીધો હતો. જો હજી પણ સ્વાઇન ફ્લુ કાબૂમાં નહીં આવે તો ગવર્નમેન્ટ ઑડિટોરિયમ, થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ કરાવવાનો નિર્ણય લઈ શકે છે.