અમદાવાદ, તા.૧ : ગુજરાતના વિવિધ ભાગોમાં આજે ફરી એકવાર હવામાનમાં જોરદાર પટલો આવ્યો હતો અને રાજ્યમાં પ્રી મોનસુનની એક્ટિવીટી જોવા મળી હતી. રાજ્યના અનેક ભાગોમાં વાવાઝોડા સાથે જોરદાર વરસાદ થયો હતો. તીવ્ર ગરમી વચ્ચે સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં વરસાદ થયો હતો. બીજી બાજુ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદના લીધે ગરમીથી આંશિક રાહત મળી હતી. આજે રાજ્યના જે ભાગોમાં વરસાદ થયો હતો તેમાં ભરુચ, અંબાજી, સાપુતારા, ડાંગ, આહવાનો સમાવેશ થાય છે. બીજી બાજુ રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વડોદરા, દાહોદ, નવસારી, વાસદા, અંબાજી, છોટાઉદેપુરમાં પણ આજે વરસાદ થયો હતો. હવામાનમાં વારંવાર ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ થઇ રહી છે. મોનસુનની હવે ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. મોનસુનની એક્ટિવીટી વચ્ચે ગુજરાતમાં ૧૭મી જૂન સુધી મોનસુનની એન્ટ્રી થઇ શકે છે. બીજી બાજુ અમદાવાદ સહિત રાજ્યાના વિવિધ ભાગોમાં કાળજાળ ગરમીનો પ્રકોપ જારી રહ્યો છે. આજે સુરેન્દ્રનગરમાં પારો ૪૩ નોંધાયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન આજે ૪૦.૧ ડિગ્રી રહ્યુ હતુ. બપોરના ગાળામાં જોરદાર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ દેખાઈ રહી છે. ગુજરાતમાં માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સૌરાષ્ટ્ર, ગુજરાત પ્રદેશના વિવિધ ભાગોમાં પડી શકે છે. કેરળમાં મોનસૂનની એન્ટ્રી થઈ ગયા બાદ હવે ઉત્સુકતાપૂર્વક મોનસૂનની રાહ ગુજરાતમાં પણ જોવામાં આવી રહી છે. તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં હાલમાં ફુડ પોઈઝનીંગના બનાવોમાં વધારો થયો છે.આ ઉપરાંત ઠંડકવાળા સ્થળોએ આરામ કરવા,કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અંગે પણ સુચન કરવામાં આવ્યું છે.આ સાથે જ નાના બાળકો,વૃધ્ધો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવા અંગે પણ કહેવામાં આવ્યું છે. ઈમરજન્સીની પરિસ્થિતિમાં ૧૦૮નો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. એકાએક ગરમી અને હવે આંશિક ઘટાડાના કારણે બાળકોને વધુ અસર થઈ છે. આજે સવારે વરસાદી વાદળા નજરે પડ્યા હતા પરંતુ થોડાક સમય બાદ જ આ વાદળા દેખાયા ન હતા. લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. અમદાવાદમાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. ગઇકાલની સરખામણીમાં આજે મહત્તમ તાપમાન ઘટીનેે ૪૦.૧ થઈ ગયું હતું. રાજ્યના અન્ય ભાગોમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આકરી ગરમી બાદ નાગરિકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આજે વાદળછાયું વાતાવરણ વચ્ચેના ગાળામાં હોવાના લીધે આંશિક રાહત મળી હતી. હીટવેવના કારણે હાલમાં લૂ લાગવાના બનાવો પણ વધ્યા છે. અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલા તાપમાનના અનુસંધાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા માટે કાળજી રાખવા અપીલ પણ કરવામાં આવી છે.જેમાં લોકોને વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવા, લાંબા સમય સુધી તડકામાં ન રહેવા અને હળવા સુતરાઉ કપડા પહેરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન…
અમદાવાદ, તા.૧ : અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે.
સ્થળ | મહત્તમ તાપમાન |
અમદાવાદ | ૪૦.૧ |
ડિસા | ૪૦.૫ |
ગાંધીનગર | ૪૧ |
ઇડર | – |
વીવીનગર | ૩૯.૧ |
વડોદરા | ૩૯.૩ |
સુરત | ૩૬.૪ |
વલસાડ | ૩૬.૪ |
અમરેલી | ૪૧.૪ |
ભાવનગર | ૩૯ |
રાજકોટ | ૪૨.૩ |
સુરેન્દ્રનગર | ૪૩ |
નલિયા | ૩૬.૭ |
કંડલા એરપોર્ટ | ૪૦.૩ |
ભુજ | ૩૯.૬ |
કંડલા પોર્ટ | ૪૨.૨ |