ગુજરાતમાં આવી પડેલી વરસાદી આફત વચ્ચે છેલ્લા છ દિવસ દરમ્યાન NDRF, આર્મી, ઍરફોર્સ, SRP અને સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા ૫૩,૦૦૦થી વધુ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું અને ૧૯૩૦ નાગરિકોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. ભારે વરસાદ અને પૂરના પગલે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૪ લોકોનાં મોત થયાં છે.
ગુજરાતના મહેસૂલપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગઈ કાલે આ માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી ૩૧૦ નાગરિકોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા, જ્યારે ૨૧ જુલાઈથી ગઈ કાલ સુધીમાં ૧૯૩૦ નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. NDRFની ૧૮ ટીમ, આર્મીની ત્રણ કૉલમ અને દસ હેલિકૉપ્ટરથી બચાવ-કામગીરી ચાલી રહી છે. ૨૧ જુલાઈથી અત્યાર સુધીમાં ૫૩,૦૦૪ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાંથી ૮૫૧૮ નાગરિકો તેમના ઘરે પાછા ફર્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પાણીમાં ફસાયેલા ૧૧૪૪ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.’
અત્યાર સુધીમાં ૯૪ લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી ૫૮ જણનાં ડૂબી જવાથી મૃત્યુ થયાં છે. ગુજરાતમાં ૧૦૮૯ પશુઓનાં મૃત્યુ થયાં છે.
વરસાદની સ્થિતિને કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાનાં ૪૮૮ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે. ગુજરાતમાં પાંચ નૅશનલ હાઇવે, ૧૫૩ સ્ટેટ હાઇવે તેમ જ ૬૭૪ પંચાયતહસ્તકના માર્ગ સાથે કુલ ૮૩૨ માર્ગ બંધ છે.
બનાસકાંઠા જિલ્લામાં અસરગ્રસ્તો માટે અત્યાર સુધીમાં છ લાખ ફૂડ-પૅકેટ પૂરાં પાડવાનું આયોજન કર્યું છે, જેમાંથી છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠામાં ત્રણ લાખ અને પાટણ જિલ્લામાં ૧૮,૦૦૦ ફૂડ-પૅકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.