ગોવામાં નવા બનેલા એરપોર્ટનું નામ ગોવાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરના નામ પરથી રાખવામાં આવ્યું. હવે ગોવાના નવા એરપોર્ટનું નામ ‘મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ’ હશે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગોવાના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ રાજ્યના દિવંગત મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નામ પર રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
PMએ નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું
ગોવામાં નવા એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા ડિસેમ્બર, 2022માં કરવામાં આવ્યું હતું. ગોવા સરકારની કેબિનેટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ મનોહર પર્રિકરના નામ પર રાખવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારના કેબિનેટના આ નિર્ણય બાદ કેન્દ્રીય કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે. આ નવા એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટ 5 જાન્યુઆરી 2023 ના રોજ ઉતરી હતી. ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા હૈદરાબાદથી ગોવા પહોંચેલા મુસાફરોનું સંગીત અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટનો પ્રથમ તબક્કો 2,870 કરોડમાં તૈયાર થયો
2,870 કરોડના ખર્ચે નવા એરપોર્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હોવાની માહિતી આપવામાં આવી હતી. અહીંથી દર વર્ષે લગભગ 44 લાખ લોકો મુસાફરી કરશે. ગોવાના આ નવા એરપોર્ટમાં સૌર ઉર્જા પ્લાન્ટ, ગ્રીન બિલ્ડીંગ, રનવે પર એલઈડી લાઈટો, વરસાદી પાણીના સંરક્ષણની વ્યવસ્થા સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓ લગાવવામાં આવી છે. જણાવી દઈએ કે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું 17 માર્ચ 2019ના રોજ નિધન થયું હતું.