બેરોકટોક મોટા માથાઓની છત્રછાયામાં ચાલતા આ ધંધામાં સામાન્ય જનતાને કોઇ ગાંઠતા નથી – પ્રદૂષણનો મામલો બન્યો ગંભીર
કવોરી ઉદ્યોગમાં નિયમોની ઐસી તૈસી કરતાં તત્વો સત્ય ડે ના રડાર ઉપર…
ચીખલી પંથકમાં બેફામ ચાલતા કવોરી ઉદ્યોગના જવાબદારો નીતીનિયમોના છેદ ઉડાડતા હોવાની ઉઠેલી ફરીયાદોને સત્ય ડે દૈનિક વાચા આપી રહ્યું છે અને કવોરી ઉદ્યોગના ધમધમાટને પગલે ચીખલીથી દૂરના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત બની રહ્યા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
ચીખલી તાલુકામાં મોટાપાયે કવોરીઓ ચાલતી હોવાથી તેની ડમરીને લઇને આસપાસના ગામડાઓમાં વસતા લોકો ત્રાસી ગયા છે અને આવા ગ્રામજનોના અવાજને રૂંધી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને કવોરીના મોટી લાગવગવાળા જવાબદારો કોઇને ગાંઠતા નથી કવોરી ઉદ્યોગને કારણે લગભગ ૧૦ કિલો મીટર સુધી ડમરી ઉડી રહી છે તેને લઇને પ્રદૂષણની સમસ્યા વિકરાળ સ્વરૂપ પકડી રહી છે આ સમસ્યાનું કોઇ સમાધાન નહીં દેખાતા હવે ગ્રામજનો દ્વારા અગામી સમયમાં આ મુદ્દો આંદોલનમાં પરીણામે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
થોડા સમય અગાઉ જ તાજેતરમાં આજ મુદ્દે ચીખલી તાલુકાના વંકાલ ગામના વજીફા ફળીયામાં રહેતા દિપકભાઇ સોલંકી દ્વારા પણ ચીખલી પ્રાંતમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે અને લોકોના સ્વાસ્થ તથા પર્યાવરણના રક્ષણ માટે કવોરી ઉદ્યોગ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે ત્યારે કવોરી ઉદ્યોગથી થનારી ગંભીર અસરો અંગે લોકો જાગૃત્ત બન્યા છે અને આગામી દિવસોમાં આસપાસના ગ્રામજનો દ્વારા આંદોલન વેગવંતુ બનવાના અણસાર જાવા મળી રહ્યા છે આડેધડ મોટી માત્રામાં ચાલતા આ ધંધામાં સારી એવી કમાણી હોવાથી મોટા માથાઓ સીધા રસ લઇ રહ્યા છે પરિણામે ધંધો ફૂલ્યો ફાલ્યો છે અને સબ સલામતની ડીંગો હાંકવામાં આવી રહી છે.