ચીને અરુણાચલ પ્રદેશના ઘણા શહેરોના નામ બદલીને ચીની નામો રાખ્યા અને અરુણાચલ પર પોતાનો અધિકાર દર્શાવ્યા બાદ તરત જ અમેરિકાનું વલણ જોઈને ડ્રેગન ભડકી ઉઠ્યું છે. અમેરિકાએ સૌથી પહેલા કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. આનાથી ચીનને મરચું લાગી ગયું. આ પછી તરત જ અમેરિકાએ હવે તેના રાજદૂતને ભારત સાથેના સંબંધો મજબૂત કરવા માટે એક ખાસ કામ સોંપ્યું છે. જેના કારણે રાષ્ટ્રપતિ શી જિનપિંગની ચિંતા વધવા લાગી છે.
ભારતમાં અમેરિકામાં એમ્બેસેડર એરિક ગાર્સેટ્ટી સંરક્ષણ અને આર્થિક બાબતો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત સાથે યુએસ સહયોગને વિસ્તૃત કરવાના મહત્ત્વાકાંક્ષી પ્રયાસનું નેતૃત્વ કરશે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે. લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર ગાર્સેટ્ટીને 24 માર્ચે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે એક સમારોહ દરમિયાન ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે સત્તાવાર રીતે શપથ અપાવ્યા હતા. ગયા મહિને સેનેટ દ્વારા ગાર્સેટ્ટીના નામાંકનની પુષ્ટિ કરવામાં આવી હતી. સેનેટે તેમના નામાંકનની પુષ્ટિ કરીને લગભગ બે વર્ષથી ખાલી પડેલા ટોચના રાજદ્વારી પદ ભરવાનો માર્ગ સાફ કરી દીધો હતો.
અમેરિકાએ કહ્યું કે ભારત સાથેના સંબંધો વિશ્વમાં મહત્ત્વપૂર્ણ છે
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન જીન-પિયરે મંગળવારે તેમની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, “રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જ્યારે આપણે ભારત સાથેના સંબંધોને જોઈએ છીએ, ત્યારે તે વિશ્વમાં અમેરિકાના સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધોમાંનો એક છે.” તેમણે કહ્યું, “રાજદૂત ગારસેટી મહત્ત્વપૂર્ણ અને ઉભરતી તકનીકોમાં ભારત સાથેના અમારા સહયોગને વધુ ગાઢ બનાવવા, અમારા સંરક્ષણ સહયોગને વિસ્તૃત કરવા અને અમારા આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના મહત્વાકાંક્ષી પ્રયાસનું નેતૃત્વ કરશે.”
ગાર્સેટ્ટીને 2021માં એમ્બેસેડર બનાવવા માંગતું હતું અમેરિકા
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને તેમને પહેલીવાર જુલાઈ 2021માં ભારતમાં અમેરિકી રાજદૂત પદ માટે નોમિનેટ કર્યા હતા. જો કે, બાઇડનના પ્રમુખપદના કાર્યકાળના પ્રથમ બે વર્ષમાં ગાર્સેટ્ટીનું નામાંકન મંજૂર થઈ શક્યું ન હતું કારણ કે કેટલાક સાંસદોએ એમ કહીને તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, કે તેઓ મેયર હતા ત્યારે તેમના એક વરિષ્ઠ સલાહકાર પર લાગેલા જાતીય સતામણીના આરોપ સાથે અસરકાર રીતે વ્યવહાર કરવામાં નિષ્ફળ ગયા હતા. બાઇડને આ વર્ષે જાન્યુઆરીમાં ફરીથી ગાર્સેટ્ટીને આ પદ માટે નામાંકિત કર્યા હતા. ભારતમાં અગાઉના અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટરે અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ જાન્યુઆરી 2021માં આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.