ભૂપેન્દ્ર પટેલના અનેક કાર્યક્રમો વચ્ચે રોડ શો પણ યોજાનાર છે.એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રોડ શોમાં ભીડ ભેગી કરવા માટે ભાજપને લક્ષ્ય પણ આપવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા યાદીમાં માં જણાવ્યું કે રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત થઇ ચૂકી છે. ત્યારે જવાબદારો લોકો જ બેજવાબદાર બને તો સામાન્ય જનતા પારાવાર મુશ્કેલી ભોગવી પડશે ભીડભાડ ના કરવાની સલાહ આપનાર ભાજપ જ પોતાના કાર્યક્રમોમાં તાયફા કરે તો સામાન્ય જનતા ને રોકનાર કોણ. કારણ કે સરકાર જ ભાજપની છે તો પોતેજ નિયમો પણ બનાવે અને પોતે નિયમો તોડે તો તેની કાર્યવાહી કોણ કરશે સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો પોલીસ તેની પાસેથી મસમોટો દંડ ઉઘરાવે છે.
મુખ્યમંત્રીના રોડ શોને લઇને જેમાં કાલે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શહેરના હાર્દસમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરી દેવામા આવશે તેમજ રોડ શોના રૂટમાં પાર્કિંગ નહિ કરવાનું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે આ રસ્તા પર રોજ ઓફિસે કે કામ માટે જનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય તે માટે કોઈ પણ પ્રકારના વાહનોને પ્રવેશબંધી કરવામાં આવી છે. એકબાજુ સરકાર ભીડ એકઠી ના કરવા અને ફરજીયાત માસ્ક પહેરવાના નિયમો પણ બનાવે છે અને પોતે જ ભીડ એકઠી કરવાના ટાર્ગેટ આપી ખુલ્લેઆમ નિયમ ભંગ કરે છે.
ગુજરાતમાં કોરોનાના કેસો ચાર દિવસમાં ચાર ગણા થઈ ગયા છે અને સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ કરતા એકલા રાજકોટ શહેરમાં વધારે કેસો નોંધાય છે. રાજકોટ દર ત્રણ દિવસે ડબલ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે હોટસ્પોટ બની રહેલા પૂર્વ મુખ્યમંત્રીના હોમટાઉનમાં ત્રણ માસ પછી નવા મુખ્યમંત્રીના પ્રથમ કાર્યક્રમ રોડ શોમાં ભીડના થાય તે માટે કડકાઈથી રસ્તા બંધ કરાવાશેપોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે તે મુજબ એરપોર્ટથી જૂની એનસીસી બિલ્ડીંગ, મેયર બંગલા, કિસાનપરા ચોક, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, હરિભાઈ હોલ, ડી.એચ.કોલેજ સુધીના રૂટ પર મુખ્યમંત્રીનો રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં વોર્ડ દીઠ ભાજપના 300 એટલે કે 2400 કાર્યકરો, એરપોર્ટ પર 1800 કાર્યકરો, ઉપરાંત સેંકડો પોલીસ, વહીવટી તંત્રના કર્મચારીઓ ઉમટી પડશે. આ ઉપરાંત અમુક કોલેજોને પણ ભીડ એકઠી કરવાના ટાર્ગેટ અપાયાનું જાણવા મળ્યું છે. કાલે પોલીસ કમિશનરનું વાહન-વ્યવહાર બંધનું જાહેરનામું તો ચૂસ્ત રીતે પાલન કરાશે પણ માસ્ક- સોશિયલ ડિસ્ટન્સ સહિતના જાહેરનામાનું શુ? તે કાલે જ ખબર પડશે
.મુખ્યમંત્રી માટે શહેરના જે રસ્તા ચાર કલાક માટે બંધ કરવામાં આવશે તે શહેરના મુખ્ય માર્ગ છે અને લોકોએ ત્યાંથી નોકરી-ધંધા પસાર થવાનું હોય છે. જેને લઈને પોલીસે પોલીસ હેડક્વાર્ટર રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ તરફ જવા જામનગર રોડ, ભોમેશ્વરથી સાંઢીયાપુલ અને શીતલપાર્ક થઈને રૈયા રોડ આમ્રપાલી અન્ડરપાસ પણ બંધ કરી દેવાશે. તેના બદલે રૈયા રોડ પર આઝાદ ચોકથી કાલાવડ રોડ થઈ ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક થઈ ત્રણ ચાર કિ.મી.નું વધારે અંતર કાપીને જવાનું ડાયવર્ઝન અપાયું છે. મહિલા કોલેજ ચોકથી કિસાનપરા ચોકનો પ્રાઈમ રોડ પણ લોકો માટે બંધ કરાશે. આ વાહનચાલકો ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક તરફ જઈ શકશે. સદર બજારથી જિલ્લા પંચાયત ચોક તરફ જવા પણ વાહનો બંધ થશે. આ વાહનચાલકોએ છેક જીમખાના રોડથી ટાગોરોડ થઈ ભીલવાસ તરફ જઇ શકશે રોડ શોમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીને આવકારવા માટે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના 3 રાજમાર્ગ પર બેનર-કટઆઉટ મૂકી સુશોભન કરવામાં આવી રહ્યા છે. તો ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સીએમની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહનો પુર્ણાહુતિ સમારોહ યોજાનાર હોય વહીવટી તંત્ર દ્વારા કોલેજનાં જમીનમાં વિશાળ પાંખ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોલેજીયન વિદ્યાર્થીઓ દ્વારા આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવાનો દાવો વહીવટી તંત્ર દ્વારા કરાયો છે. આજે મુખ્યમંત્રીના રોડ શોનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સવારે 10-30 વાગ્યે ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ એરપોર્ટથી જિલ્લા પંચાયત થઇ ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધી મુખ્યમંત્રીનો રોડ શો યોજાશે.આ રોડ શોમાં CMને નગરજનો તરફથી શુભેચ્છાઓ ઝીલશે. ત્યારબાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહના આયોજીત કાર્યક્રમમાં સમરસ પંચાયતોને ચેક વિતરણ, સરપંચોનું સન્માન અને ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં નિર્માણ કરાયેલી બલુન હોસ્પિટલનું લોકાર્પણ કરશે.