અમેરિકાની એરસ્પેસમાં ઉડતું એક ચીની બલૂન કેટલાક સંવેદનશીલ લશ્કરી થાણાઓમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવામાં અને તેને તરત જ બીજિંગ મોકલવામાં સક્ષમ હતું. અમેરિકાએ સોમવારે આ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જાન્યુઆરીના અંતમાં યુએસ એરસ્પેસમાં ત્રણ બસના કદનું શંકાસ્પદ ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. બાઇડન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આ બલૂન 28 જાન્યુઆરીના રોજ અલાસ્કાથી યુએસ એરસ્પેસમાં પ્રથમ વખત પ્રવેશ્યું હતું. ચાર દિવસોમાં, તેણે મોન્ટાનામાં માલમસ્ટ્રોમ એર ફોર્સ બેઝ પર ઉડાન ભરી, જ્યાં અમેરિકાના કેટલાક પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે.
એક અહેવાલમાં ત્રણ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું કે ચીન બલૂનને નિયંત્રિત કરવામાં સક્ષમ હતું, જેથી તે એકત્રિત કરેલી માહિતીને રીયલ-ટાઇમમાં બીજિંગને મોકલી શકે. સમાચાર મુજબ ચીને જે ગુપ્ત માહિતી એકત્ર કરતી, તે મોટે ભાગે ઈલેક્ટ્રોનિક સિગ્નલોમાંથી મેળવવામાં આવી હતી. ત્રણ અધિકારીઓએ કહ્યું કે જો અમેરિકાએ આ બલૂનથી મોકલવામાં આવતી માહિતીને રોકવાના પ્રયાસો ન કર્યા હોત તો ચીન સંવેદનશીલ વિસ્તારોમાંથી ઘણી બધી ગુપ્ત માહિતી એકત્ર કરી શક્યું હોત.
બલૂનથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધ્યો
આ ઘટનાક્રમે અમેરિકા અને ચીન વચ્ચે પહેલાથી જ ચાલી રહેલા તણાવમાં વધારો કર્યો છે. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને ફેબ્રુઆરીમાં તેમની બીજિંગની મુલાકાત મુલતવી રાખી હતી. બીજિંગે કહ્યું હતું કે બલૂન નાગરિક હેતુઓ સાથે સંબંધિત હતું, જે તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ બલૂન ચીનનું છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે હવામાન સંશોધન માટે થાય છે.
ઉલ્લેખનીય છે કે, 4 ફેબ્રુઆરીએ અમેરિકાએ દક્ષિણ કેરોલિનાના કિનારે એટલાન્ટિક મહાસાગરમાં ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ જો બિડેનની સૂચના પર, આજે બપોરે એક ફાઇટર જેટે યુએસ એરસ્પેસમાં દક્ષિણ કેરોલિના કિનારે સમુદ્ર પર એક ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યું.”