ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેકસ ૧ જુલાઈથી અમલી બનશે તે સાથે અનેક સેવાઓ મોંદ્યી બની જશે. ખાસ કરીને ફાઈનાન્સિયલ સર્વિસ સેકટરને વિપરીત અસર થશે. એટીએમ ટ્રાન્ઝેકશન ચાર્જ અને ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેકશન ચાર્જ વધી જશે. ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, ઈએમઆઈ, વગેરે પણ મોંઘા બનશે.
જીએસટી હેઠળ ફાઈનાન્સિયલ સર્વિસીઝ(નાણાકીયે સેવાઓ)ને ૧૮ ટકાના સ્લેબમાં મૂકવામાં આવી છે. હાલમાં લોકો આ સેવા પર ૧૫ ટકા સર્વિસ ટેકસ ચૂકવી રહ્યા છે. આમ તેમના બિલ પર ૩ ટકાનો ટેકસ વધી જશે તેવી ધારણા છે. માની લો કે તમારા એક કરોડ રૃપિયાના ટર્મ પ્લાન માટે વાર્ષિક પ્રીમિયમ ૨૫,૦૦૦ રૃપિયા છે. તો જીએસટી લાગુ થવાથી ટેકસનો બોજ હાલમાં ૩૭૫૦ રૃપિયા છે તે વધીને ૪૫૦૦ રૃપિયા થઈ જશે. બેંકેે અને વીમા કંપનીઓએ આ વધારા અંગે તેમના ગ્રાહકોને મેસેજ કરીને જાણ કરવાનું શરૃ કરી દીધું છે. એટીએમમાંથી મહિનાની ફ્રી વિડ્રોવલની મર્યાદાથી વધારે વિડ્રોવલ પર પણ વધારે ટેકસ લાગુ થશે. એસબીઆઈએ પણ તેની વિવિધ સેવા પર ૧૫ ટકાનો સર્વિસ ટેકસ જીએસટીને કારણે વધીને ૧૮ ટકા થશે તેવો મેસેજ તેના ખાતેદારોને મોકલવા માંડયો છે.
આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને એચડીએફસી બેેંકે પણ આ જ પ્રકારે તેમના ખાતેદારોને વાકેફ કરવાનું શરૃ કરી દીધું છે. ઈન્સ્યોરન્સ પોલિસી પરના પ્રીમિયમ પર અને યુલિપ પર ફંડ મેનેજમેન્ટ ચાર્જ ૧૮ ટકા વસૂલાશે. આમ, આ ચૂકવણી પણ મોંઘી બનશે.