પાંચ કલાકમાં ૧૧ ઇંચ અને ૨૪ કલાકમાં ૧૭ ઇંચ વરસાદ, NDRFની પણ મદદ લેવામાં આવી
ગુજરાતમાં વરસાદે ગઈ કાલે પણ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું અને ગુજરાતભરમાં સરેરાશ સાડાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લાના ટંકારામાં તો જાણે કે મેઘતાંડવ હોય એ રીતે ગઈ કાલે સવારે માત્ર પાંચ જ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ અને છેલ્લા ચોવીસ કલાકમાં કુલ સત્તર ઇંચ વરસાદ પડતાં આખો ટંકારા તાલુકો ટાપુમાં ફેરવાઈ ગયો હતો અને ટંકારાનાં નવ ગામ મુખ્ય મથકથી છૂટાં પડી ગયાં હતાં. ટંકારા મામલતદાર કચેરી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
આ ઉપરાંત મોરબી-ટંકારા અને રાજકોટ-ટંકારા હાઇવે પણ વચ્ચે આવતાં તમામ નાળાંઓ છલકાઈ જતાં બંધ કરી દેવાની ફરજ પડી હતી. ટંકારામાં પડેલા આ ભારે વરસાદને લીધે ત્રણ ગાડી અને ચાર બાઇક તણાયાં હતાં જેમાં સાત લોકોનો બચાવ થયો હતો જ્યારે બે જણ પાણીમાં ખેંચાઈ ગયા હતા. ટંકારામાં ગઈ કાલે ચાર વાગ્યે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની સ્ટેટ ટીમની સાથોસાથ નૅશનલ ડિઝૅસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ને પણ બોલાવવામાં આવી હતી, જેના સો જેટલા મેમ્બરે બચાવકામગીરી અને મોટી જાનહાનિ ન સહેવી પડે એ માટે ટંકારા ઉપરાંત આજુબાજુનાં ગામોના નીચાણવાળા વિસ્તારનાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કર્યું હતું. ૧૮ વ્યક્તિઓને NDRFની ટીમે બચાવી લીધી હતી.
ટંકારાના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે કેડ સુધીનાં પાણી થઈ ગયાં છે.
અસર મોરબી જિલ્લામાં પણ ગઈ કાલના વરસાદની અસર આમ તો આખા મોરબી જિલ્લામાં જોવા મળી હતી. મોરબીમાં પાંચ ઇંચ, વાંકાનેરમાં છ ઇંચ, થાનગઢમાં છ ઇંચ અને નવલખી બંદરે પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લીધે મોરબી જિલ્લામાં આવેલા ૧૪ ડૅમોના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ અપર ઍર સાઇક્લોનિક પ્રેશર આવતા ચોવીસથી અડતાલીસ કલાકમાં ઓસરતાં વાતાવરણ ફરીથી કાબૂ હેઠળ આવી જશે.
ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ
ઉત્તર ગુજરાતમાં રાધનપુર, પાટણ અને થરાદમાં ૭ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ પડતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. થરાદમાં ૭ ઇંચ વરસાદ પડતાં થરાદ જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વરસાદી પાણી ચારેતરફ ફરી વળતાં થરાદથી જતી લ્વ્ બસોને રદ કરી દેવામાં આવી હતી. બીજી તરફ હિંમતનગર, મોડાસા, ઈડર પંથકમાં વાવણીલાયક વરસાદ પડ્યો હતો.
ગાંધીનગર અને વડોદરામાં NDRFની બે–બે ટીમ અને સુરત અને રાજકોટમાં ૧–૧ ટીમ સ્ટૅન્ડબાય રાખવામાં આવી છે.
ગુજરાતમાં ગઈ કાલે ૨૨૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં કોડીનાર તાલુકામાં ૩૪૦ મિલીમીટર એટલે કે ૧૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાધનપુર તાલુકામાં ૧૭૦ મિલીમીટર, વાંકાનેર તાલુકામાં ૧૬૩ મિલીમીટર, મોરબી તાલુકામાં ૧૪૪ મિલીમીટર, સુત્રાપાડા તાલુકામાં ૧૪૪ મિલીમીટર, ઊના તાલુકામાં ૧૨૯ મિલીમીટર, પાટણમાં ૧૭૦ મિલીમીટર, ભાભર તાલુકામાં ૯૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના જામનગર, ધ્રોલ, પડધરી, જૂનાગઢ, દિયોદર, સુઇગામ, મોડાસા, હિંમતનગર, પ્રાંતિજ, વડોદરા, આણંદ, વલ્લભવિદ્યાનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ પડ્યો હતો.