નોટબંધીના કેન્દ્ર સરકારના નિર્ણયથી એક તરફ પ્રજા ત્રાહિમામ છે તો બીજી તરફ હવે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સરકારનો ઉધડો લઇ નાખ્યો છે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ટી.એસ. ઠાકુરે આજે નોટબંધીને લઇને સરકારને કેટલાક વેધક પ્રશ્નો પૂછ્યા હતાં. નોટબંધી પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે પૂછ્યું કે જ્યારે દરેક ખાતાધારકને સપ્તાહમાં રૂા. ૨૪૦૦૦ ઉપાડવાની છૂટ છે તો આ નિયમનો બેન્કોમાં પાલન કરાવવામાં કેમ નથી આવી રહ્યો?
આ ઉપરાંત કોર્ટે નોટબંધીને લઇને કેન્દ્ર સરકારને અન્ય અનેક સવાલો પૂછ્યા. કોર્ટે સરકાર પાસે બુધવાર સુધી આ પ્રશ્નોના જવાબ માંગ્યા છે.કોર્ટે સરકારને પૂછ્યું કે તેણે લોકોની તકલીફોનો દૂર કરવા માટે કયા પગલા ભર્યા છે? નોટબંધી પર આગામી સુનાવણી બુધવારે થશે.
કોર્ટે સરકારે પૂછ્યું કે, શું સરકાર ચલણમાંથી રદ કરાયેલી નોટોનો સરકારી હોસ્પિટલોમાં ઉપયોગ માટેની સમયમર્યાદા વધારવાની મંજૂરી આપશે? એવું પણ પૂછવામાં આવ્યું કે શું જિલ્લા સહકારી બેન્કોને ચલણમાંથી રદ કરાયેલી નોટો જમા કરવાની મંજૂરી આપી શકાય છે? કોર્ટે પૂછ્યું કે શું તે એક સપ્તાહમાં નક્કી કરાયેલ રૂા. ૨૪ હજારમાંથી એક નિશ્ચિત ન્યૂનતમ રકમ ઉપાડવાની મંજૂરી આપવાના પક્ષમાં છે? સુપ્રીમે સરકારને પૂછ્યું કે નોટબંધી પહેલા દિમાગ લગાવવામાં આવ્યો હતો કે તેનાથી કેટલી કરન્સી પરત આવશે? કઇ રીતે નવી કરન્સી છાપવામાં આવશે? શું આ માટે કોઇ આયોજન કર્યું હતું? સરકારને નોટબંધીના નિર્ણયને લઇને કેવી અપેક્ષા હતી? સુપ્રીમે સરકારને વધુમાં પૂછ્યું કે શું જ્યારે તમે વિમુદ્રીકરણને લઇને પોલિસી તૈયાર કરી રહ્યાં હતાં ત્યારે તે ગુપ્ત હતી? સુપ્રીમ કેન્દ્ર સરકારને સવાલ કરતાં કહ્યું કે, કેન્દ્રએ એવા કોઇ પગલા ભર્યા છે જેનાથી લોકોની તકલીફો દૂર થાય? કોર્ટે સાથે જ પૂછ્યું કે તમે નાણાં ઉપાડવાની મર્યાદા કેમ નથી વધારતા? સામાન્ય લોકોનો મત છે કે તેનાથી સામાન્ય લોકોને પારાવાર તકલીફો સહન કરવી પડી રહી છે. સુપ્રીમે કેન્દ્ર સરકારને એ પણ પૂછ્યું કે નોટબધીને લગતી સહકારી બેન્કોની જે સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તેમને ઘટાડવા માટે કેવા પગલા ભરવામાં આવ્યા છે? ઉલ્લેખનીય છે કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ નોટબંધી પર ચાલી રહેલી સુનાવણી ૧૪ ડિસેમ્બર સુધી ટાળી દીધી હતી. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ નોટબંધીના નિર્ણયને લાગુ કરવાના પક્ષમાં તર્ક આપતા કહ્યું કે લોકોની સમસ્યાઓને ઘટાડવા માટે તમામ જરૂરી પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેના પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના ત્રણ જજોને જણાવ્યું કે એટીએમમાં પૈસા નથી. એટીએમના રિકેલિબ્રેશનનું કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. સહકારી બેન્કો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.