દાનહ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં દૈનિક વેતન અને કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા સેંકડો કર્મચારીઓ અને શિક્ષકોનું ભવિષ્ય અધ્ધરતાલ બની ગયેલ છે. ક્યારે પણ નોકરી છીનવાઈ જશે એ તણાવમાં તમામ કર્મચારીઓ દિવસ પસાર કરી રહ્યા છે.જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી જાહેર થવાના થોડા જ દિવસ અગાઉ લગભગ 800 જેટલા શિક્ષકોની નોકરીનો કોન્ટ્રાકટ ફક્ત 2 મહિના માટે લંબાવવામાં આવતા તમામ શિક્ષકો અને તેઓના પરિવારજનો ભરી ચિંતામાં મુકાઈ ગયા છે.
બીજીબાજુ જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યા બાદ જિલ્લા પંચાયત વિભાગના લગભગ 128 કર્મચારીઓને છૂટા કરી દેવાના પ્રશાસનિક હલચાલથી દાનહની જનતા પણ સ્તબ્ધ બની ગઈ છે.એવું લાગી રહ્યું છે કે પ્રશાસન નિર્દયતાની તમામ સીમા પાર કરી રહ્યું છે.એક બાજુ કોરોના મહામારીના કારણે દાનહના લોકો સદીની સૌથી મોટી આર્થિક મંદી અને રોજગારીની સમસ્યાનો સામનો કરી રહેલ છે તેવા સમયમાં પ્રશાસન દ્વારા લોકોને આર્થિક અને નોકરીમાં રાહતો આપવાના બદલે લગાતાર નોકરીમાંથી છુટા કરવાની નકારાત્મક નીતિ અપનાવવામાં આવી છે જે અતિ દુર્ભાગ્યપૂર્ણ છે.
કોરોના અને ચૂંટણીના કામમાં સેંકડો શિક્ષકો પાસે તેઓના જીવન જોખમમાં મૂકીને પણ દિવસ રાત કામ લેવામાં આવે છે અને કામ પૂરું થયા બાદ તેઓને ઇનામ આપવાના બદલે નોકરીમાંથી છુટા કરી દેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.નિર્દયતાનું એનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે ?
હાલમાં પ્રશાસન દ્વારા જિલ્લા પંચાયત વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવર,પમ્પ ઓપરેટર,એલડીસી જેવા 128 સામાન્ય કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાની હલચલ ચાલી રહી છે.માટે પદ અને રાજનીતિ છોડી દેવા પડે તો છોડી દઈશ,જેલમાં જવું પડે તો બેસી જઈશ પણ આ પ્રમાણેના નિર્દયી ફરમાન મંજુર નથી. ગરીબ કર્મચારીઓના હક અધિકાર અને રક્ષણ માટે અંત સુધી મજબૂત લડત આપીશું.