દુનિયાના ઘણાં દેશોમાં વર્ક ફ્રોમ હોમના વિચારને વધતે ઓછે અમલી બનાવાયો છે. ભારતમાં પણ આ અંગે તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં આશરે ૯૦ ટકાથી વધુ કર્મચારીઓએ ઘરે બેઠાં જ કામ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી, જોકે સામે પક્ષે ૭૫ ટકાથી વધુ નોકરીદાતાઓને આ વિચાર અનુકૂળ જણાયો નહોતો. ટાઈમ્સજોબ્સ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વે અનુસાર આશરે ૬૦ ટકાથી વધુ કંપનીઓમાં વર્ક-ફ્રોમ-હોમની કોઈ નીતિ નથી. એટલું જ નહીં પરંતુ ૭૫ ટકાથી વધુ કંપનીઓ આ વિચારને સમર્થન આપતી નથી. જેની સામે ૯૦ ટકાથી વધુ કર્મચારીઓ ઈચ્છે છે કે તેમને ઘરે બેઠાં બેઠાં જ ઓફિસનું કામ કરવાની મંજૂરી મળવી જોઈએ. આશરે ૮૦૦ કંપનીઓ અને ૧,૧૦૦ કર્મચારીઓના મંતવ્યોને આધારે આ સર્વે તૈયાર કરાયો હતો. વર્તમાન સ્પર્ધાત્મક કારોબારી જગતમાં ટકવા માટે કંપનીઓએ આદેશાત્મકને બદલે નિયંત્રિત કલ્ચરમાં પરિવર્તિત થવું પડશે. જે કંપનીઓ પ્રતિભાશાળી અને બહેતર કાર્યક્ષમતાવાળી ટીમને પ્રોત્સાહન આપી જાળવી રાખશે તે જ પ્રગતિ કરશે તેમ ટાઈમ્સજોબ્સના બિઝનેસ હેડ રમાથ્રેયા ક્રિષ્ણામૂર્તિએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ક ફ્રોમ હોમ કે કામ કરવાના સમયમાં સ્થિતિસ્થાપકતા જેવી નીતિઓને લીધે વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે. એટલું જ નહીં પરંતુ કંપનીને કર્મચારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું પુરવાર થાય છે. જેને પગલે પ્રતિભાશાળી કર્મચારીઓ કંપની સાથે લાંબો સમય સુધી જોડાઈ રહેવાનું પસંદ કરે છે. ૭૦ ટકા જેટલી કંપનીઓનું માનવું છે કે કર્મચારી જયારે ઘરેથી કામ કરે છે ત્યારે તેનાથી તેમની કાર્યક્ષમતા પર અસર થાય છે. જયારે ૪૪ ટકાના મતે તેનાથી તેમની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળે છે. કર્મચારીઓની કામગીરીનું ધ્યાન રાખવા માટેની કોઈ ચોક્કસ પદ્ઘતિ નહીં હોવાને કારણે આશરે ૮૦ ટકા કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની નીતિને નકારી કાઢી હતી. ૪૦ ટકા કંપનીઓના મતે ઘરેથી કામ કરનારા કર્મચારીઓ પર કોઈ નિયંત્રણ નહીં હોવું તે આ પદ્ઘતિની સૌથી મોટી ખામી છે.
આ ઉપરાંત ટોપ મેનેજમેન્ટ તરફથી વર્ક ફ્રોમ હોમ પોલિસીને સ્વિકારવાનો ઈન્કાર પણ આ પોલિસી સામેનો મોટો પડકાર હોવાનું ૩૦ ટકા કંપનીઓએ જણાવ્યું હતું. જોકે વર્ક ફ્રોમ હોમની મંજૂરીથી કંપનીની બ્રાન્ડ પર હકારાત્મક અસર પડતી હોવાનું પણ ૪૦ ટકા કંપનીઓએ સ્વીકાર્યું હતું. ૩૦ ટકા કંપનીઓના જણાવ્યાં અનુસાર તેનાથી કર્મચારીઓને કંપની છોડતા અટકાવવામાં મદદ મળવા ઉપરાંત તેનાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળે છે. ૨૫ ટકા કંપનીઓનું માનવું છે કે ઘણાં કામો એવા છે જેના માટે ઘરેથી કામ કરવું શકય નથી.