સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટીનો રિપોર્ટ : અનેક રાજ્યોમાં રોકાણ અપૂરતું
કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષમાં ખેડૂતની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ સરકાર દ્વારા રચવામાં આવેલી એક કમિટીના અહેવાલ પ્રમાણે ૨૦૨૨-’૨૩ સુધીમાં ખેડૂતોની બમણી આવક માટે કુલ ૬.૩૯ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે એમ છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હાલમાં આસામ, કેરળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, રાજસ્થાન, પંજાબ અને ઓડિશામાં દેશના સરેરાશ જાહેર રોકાણની તુલનાએ ઓછું રોકાણ થાય છે. પૂર્વીય ભારતનાં રાજ્યોમાં ખાનગી રોકાણ ખૂબ જ ઓછું થઈ રહ્યું હોવાથી આ વિસ્તારમાં નાણાકીય વિકાસ અને માળખાગત રોકાણની ખૂબ જ જરૂર છે.
નૅશનલ રેઇનફીડ એરિયા ઑથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અશોક દલવાઈની આગેવાનીમાં ખેડૂતોની બમણી આવક માટેની રચાયેલી કમિટીએ આ એનો પહેલો અહેવાલ જાહેર કર્યો હતો. આનાં હજી આઠ વૉલ્યુમ જાહેર થશે.
કમિટીએ અહેવાલમાં જણાવ્યું હતું કે ‘ખેડૂતોની પાંચ વર્ષમાં બમણી આવક માટે વાર્ષિક ૧૦.૪૧ ટકાનો વધારો થાય એ જરૂરી છે અને એ માટે દર વર્ષે રોકાણમાં ૭.૮૬ ટકાનો વધારો થાય એ જરૂરી છે. જાહેર રોકાણનો ગ્રોથ દર વર્ષે ૧૪.૧૭ ટકાનો રહે એ જરૂરી છે.’
ખેડૂતોની આવકમાં ખરેખર વધારો કરવા માટે કમિટીએ અહેવાલમાં જણાવ્યું છે કે ૨૦૦૪-’૦૫ના ભાવ પ્રમાણે પાંચ વર્ષમાં ૬૧૭ અબજ રૂપિયાના ખાનગી રોકાણની જરૂર છે, જ્યારે ૨૦૧૧-’૧૨ના ભાવ પ્રમાણે ૧૩૧૮.૪૦ અબજ રૂપિયાના રોકાણની જરૂર પડશે.
કમિટીએ જણાવ્યું હતું કે ‘કૃષિક્ષેત્રે ઓછા વિકાસ થયેલાં રાજ્યોમાં કૃષિક્ષેત્રે રિસર્ચ, રોકાણ, સિંચાઈ, એનર્જી અને શિક્ષણક્ષેત્રે પણ વધારાના જાહેર રોકાણની જરૂર છે. ખેડૂતોની આવક વધારવા માટે સપોર્ટ સિસ્ટમને બદલે લાંબા ગાળાનું કોઈ આયોજન થાય અને ખેડૂતોની આવક નૉર્મલ સ્થિતિમાં વધે એ જરૂરી છે.’