દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ મંગળવારે વરિષ્ઠ નાગરિકોની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ ગુડ ફેલોમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જો કે રતન ટાટા આ પ્રોજેક્ટમાં કેટલી રકમનું રોકાણ કરી રહ્યા છે તે અત્યારે જણાવવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે, ટાટા ગ્રૂપમાંથી રિટાયર થયા બાદ રતન ટાટા સ્ટાર્ટઅપ્સની મદદ કરવામાં ઘણો રસ લઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ટાટાની લેટેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપનીની સ્થાપના શાંતનુ નાયડુ દ્વારા કરવામાં આવી છે. 25 વર્ષીય શાંતનુ ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કામ કરે છે, તેણે કોર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
તેઓ 2018 થી રતન ટાટાના સહયોગી તરીકે કામ કરી રહ્યા છે.નોંધનીય છે કે, 84 વર્ષીય રતન ટાટાએ નાયડુના વિચારની પ્રશંસા કરતા કહ્યું કે, જ્યાં સુધી તમે ખરેખર વૃદ્ધ ન થાઓ ત્યાં સુધી કોઈને વૃદ્ધ થવું પસંદ નથી. ટાટાએ શાંતનુ વિશે કહ્યું કે, સારા સ્વભાવનો જીવનસાથી શોધવો એ પણ એક પડકાર છે.નાયડુએ ટાટાને બોસ, માર્ગદર્શક અને મિત્ર ગણાવ્યા છે. નવું સ્ટાર્ટઅપ વરિષ્ઠ નાગરિક ગ્રાહકોના ભાગીદાર તરીકે સેવા આપવા માટે યુવાન સ્નાતકોને નિયુક્ત કરે છે. કંપની દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તેના બીટા તબક્કામાં છેલ્લા છ મહિનાથી 20 વૃદ્ધ લોકો સાથે કામ કરી રહી છે. ભવિષ્યમાં, કંપની પુણે, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ તેની સેવાઓ પ્રદાન કરવા માંગે છે.