ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર નર્મદા ડૅમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે કેવડિયા કૉલોની ખાતે સંતોની ઉપસ્થિતિમાં ગુજરાત સહિત દેશના કરોડો નાગરિકોને લોકાર્પણ કરશે.
ગુજરાત પ્રદેશ BJPના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે ‘૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસે વડા પ્રધાન ગુજરાત આવશે અને કેવડિયા કૉલોની ખાતે સંતો, મહંતો અને આગેવાનો સાથે નર્મદા બંધનું પૂજન કરીને લોકાર્પણ કરશે. લોકાર્પણ બાદ વડા પ્રધાન ડભોઈ ખાતે જંગી જાહેર સભાને સંબોધશે.’
નર્મદા ડૅમનું લોકાર્પણ થાય એ પહેલાં ૬થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા નર્મદા મહોત્સવ યાત્રા યોજાશે. આ યાત્રામાં BJPના આગેવાનો–કાર્યકરો જોડાશે અને ગુજરાતની જીવાદોરી એવી નર્મદાને વંદન સાથે અભિનંદન પાઠવી કૃતજ્ઞતા વ્યક્ત કરશે. વર્ષોના સંઘર્ષ પછી નર્મદાનાં પાણી હજારો ગામો અને શહેરો સુધી પહોંચી શક્યાં છે અને હવે નર્મદા ડૅમ પર દરવાજા બંધ થતાં નર્મદાનું પાણી આખા ગુજરાતને મળતું થશે ત્યારે નર્મદા મહોત્સવ યાત્રા દ્વારા ઠેર-ઠેર નર્મદાના ઇતિહાસની જાણકારીથી માંડીને એની અવેરનેસ માટે કાર્યક્રમો યોજાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી નર્મદા નદી ઉપર બનાવેલા સરદાર સરોવર ડૅમના દરવાજા બંધ કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો ત્યાર બાદ નર્મદા મહોત્સવ યાત્રા તેમ જ નર્મદા ડૅમનું લોકાર્પણ ઑગસ્ટ મહિનામાં કરવાનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ સહિત સંખ્યાબંધ જિલ્લાઓમાં અતિવૃષ્ટિ અને પૂરના પ્રકોપને કારણે નર્મદા મહોત્સવ યાત્રા અને લોકાર્પણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.