સુરત : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી અર્જુનભાઇ મોઢવાડીએ પાસે આજે નર્મદા વિસ્થાપિતોની તિલકવાડા તાલુકાના સાવલી ગામે મુલાકાત લીધી હતી તથા છેલ્લા અગિયાર માસથી ઉપવાસ ઉપર બેઠેલા વિસ્થાપિતોની કેવડીયા કોલોની ખાતે મુલાકાત લીધી હતી અને વિસ્થાપિતોની વસાહતમાં પીવાના પાણી, સિંચાઇનું પાણી, શાળા, રસ્તાઓ, આંગણવાડી, વિસ્થાપિતોના પરિવારમાંથી એક વ્યકિતને નોકરી અને પુનઃ વસવાટને લગતા અન્ય પ્રશ્નોની રજુઆત સાંભળી હતી.
આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગામ ખાતે નર્મદાના વિસ્થાપિતોની મુલાકાત દરમ્યાન વસાહતીઓેએ શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા સમક્ષ રજુઆત કરી હતી કે, આખા નર્મદા જિલ્લાને ઓપન ડીફેકેશન ફ્રી (ખુલ્લામાં જાજરૂ કોઇ જતું નથી) જાહેર કરવામાં આવ્યો છે અને રાજય સરકારે આ જિલ્લાને તે માટેનું ઇનામ પણ જાહેર કર્યુ છે પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, જિલ્લામાં ૫૦ ટકા જેટલા ઘરોમાં આજે પણ શૌચાલય નથી અને વસાહતીઓના મોટાભાગના ઘરો શૌચાલય વિહોણા છે. તિલકવાડા તાલુકાના ૯૧ ગામ માટે નર્મદા આધારિત પીવાના પાણીની પાઇપલાઇન નંખાય છે. પરંતુ તેમાંથી નર્મદા વિસ્થાપિતોની આઠ વસાહતની બાદબાકી કરી નાંખી છે. કોંગ્રેસની સરકાર વખતે દરેક વિસ્થાપિત પરિવારને પાંચ એકર જમીન આપી હતી. પરંતુ આ જમીનની પણ નર્મદાના પાણીથી સિંચાઇમાંથી બાદબાકી કરી નાંખી છે.
શ્રી અર્જુન મોઢવાડીયાએ નર્મદા વિસ્થાપિતોના પ્રતિનિધિઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરદાર સરોવર નર્મદા યોજનાએ સમગ્ર દેશ માટે ખૂબ જ મહત્ત્વની અને ગૌરવસમાન યોજના છે. આ યોજનામાં સૌથી વધારે ભોગ ઘર અને જમીન ગુમાવનાર વિસ્થાપિત પરિવારોએ આપ્યો છે.શ્રી અમરસિંહ ચૌધરીની કોંગ્રેસ સરકારે વિસ્થાપિતો માટે જેતે વખતે ખૂબ જ ઉદાર પેકેજ આપીને વિસ્થાપિતોનો શાંતિપૂર્વક પુનઃવસવાટ કરાવ્યો હતો અને તેને કારણે જ નર્મદા યોજના આજે પૂર્ણતાના આરે છે. ખાસ કરીને વિસ્થાપિતોને પીવાનું પાણી, સિંચાઇનું પાણી, રહેણાંકના પ્લોટ અને મકાન દરેક વસાહતમાં શાળા અને આંગણવાડીના સારા મકાન, વિસ્થાપિત પરિવારોના શિક્ષિત યુવાનો અને યુવતીઓને રોજગારીની વ્યવસ્થા સહિતની માંગણીઓ તાત્કાલિક સ્વીકારીને તે માટેના કામો સરકારે તાત્કાલિક શરૂ કરી દેવા જોઇએ. એ ઉપરાંત ૧-૧-૮૭ પછી વિસ્થાપિત પરિવારમાં પુખ્ત ઉંમરના પુત્ર-પુત્રીઓ હોય તો તેમને પણ રોજગાર આપવા કે તેમને જમીનના પ્લોટ-મકાન આપવા અને ખેતીની જમીન આપવા માટેની કાર્યવાહી થવી જોઇએ.
શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાની સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રફુલભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો તેમજ અન્ય આગેવાનો જોડાયા હતા.