[one_third] ગુજરાતની હરિયાળી ક્રાંતિ અને જળસમસ્યાને તિલાંજલિ આપતી નર્મદા યોજના રાજ્યના ઉજ્જવળ ભાવિના દરવાજા ખોલવાના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં મળેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની બેઠકમાં સરદાર સરોવર બંધના દરવાજા બંધ કરવાની પરવાનગી મળી ગઈ છે. મુખ્યમંત્રી વિજય માટે ઐતિહાસિક દિવસ અને સુવર્ણ ઘડી ગણાવ્યા છે. દરવાજા બંધ કરવાની પરવાનગી મળતા જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે સવારે કેવડિયા પહોંચીને નર્મદા જળ વધામણા કરવા સાથે જ ડેમના દરવાજા બંધ કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. [/one_third] [one_third] સરદાર સરોવર બંધની વર્તમાન ઊંચાઈ એટલે કે ૧૨૧.૨ મીટરે ૧.૨૭ મિલિયન એકર ફૂટ પાણીનો જે સંગ્રહ થઇ શકે છે. ઉંચાઈ પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચતા ૪.૭૩ મિલિયન એક ફૂટ એટલે કે ૩.૭૫ ગણી વધી જશે. આના પરિણામે જે વધારાનું ૩.૪૮ મિલિયન એક ફુટ પાણી સંગ્રહ થશે તે ગુજરાતની હરિત ક્રાંતિનું છડીદાર બનશે. જળવિદ્યુત ઉત્પાદન પણ ૪૦ ટકા એટલે કે ૧૪૫૦ મેગાવોટ થઇ જશે. આગામી ચોમાસામાં સરદાર સરોવર બંધમાં પહેલીવાર પૂર્ણ સપાટીએ જળાશયમાં જળસંગ્રહ થશે. [/one_third] [one_third] મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના ઉજ્જવળ ભાવિના દ્વાર ખોલનારા આ નિર્ણાયક તબક્કાની વિગતો ગાંધીનગરમાં આપી હતી. મુખ્યમંત્રીએ નર્મદા ડેમના દરવાજા બંધ કરવાથી ગુજરાતના નવતર વિકાસ દ્વાર ખોલનારા આ ઐતિહાસિક આનંદ અવસરને સમગ્ર રાજ્યમાં આગામી ૧૫ દિવસોમાં નર્મદા ઉત્સવ તરીકે જન ઉમંગ જન સહયોગથી ઉજવવાનું પ્રેરક આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસની દ્રષ્ટિએ પ્રગતિશીલ ગુજરાત દર ત્રીજા વર્ષ દુષ્કાળની સ્થિતિનો સામનો કરતું આવ્યું છે. દેશની વસતીના પાંચ ટકા અને ભૌગોલિક વિસ્તારના છ ટકા ધરાવતું ગુજરાત સરફેસ વોટરના માત્ર ૨.૨૦ ટકા સંશાધનો ધરાુવે છે. ગુજરાતના પનોતાપુત્ર અખંડ ભારતના શિલ્પી-લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલા આ ભૌગોલિક કુદરતી સમસ્યાનો ઉકેલ નર્મદાના જળથી લાવવાનો દુરંદેશીભર્યો વિચાર કરી લીધો હતો. આઝાદી મળી તેના એક વર્ષ પહેલા ૧૯૪૬માં જે વચગાળાની સરકાર બની તેમાં જોડાતા વેંત જ સરદાર પટેલે આ વિચારદ-સ્વપ્નને સાકાર કરવા કમરકસી અને અભ્યાસો ચર્ચા વિચારણઆ શરૃ થઇ. આઝાદી મળ્યા પછીની કોંગ્રેસ સરકારોએ આ નર્મદા યોજના પ્રત્યે એટલું દુલર્ક્ષ્ય સેવ્યું કે, સરદાર પટેલે જે વિચાર ૧૯૪૬માં આપેલો તેનો શિલાન્યાસ છેક ૧૯૬૧ની પાંચમી એપ્રિલે કોંગ્રેસના વડાપ્રધાન નહેરુજીએ કર્યો હતો. સતત અન્યાયનો સામો કરતી આવેલી ગુજરાતની શાણી સમજૂ જનતા જનાર્દને ૨૦૦૧માં શાસન ધૂરા નરેન્દ્ર મોદીના હાથમાં સોંપી અને ગુજરાતના વિકાસનો નવો અધ્યાય શરૃ થયો. ઉત્તર ગુજરાતની સુકી ધરાના આ પુત્રને પાણીની તંગીની વેદના પીડાનો અંદાજો હતો જ તેથી જ વિકાસ એજન્ડામાં પાણી-જળને ખાસ પ્રાધાન્ય આપ્યું. નરેન્દ્ર મોદીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ માટે શક્તિ પંચામૃતની વિભાવના ઉપર મજબૂત વિકાસનો પાયો નાંખ્યો. નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનથી જળશક્તિ, જનશક્તિ, જ્ઞાાનશક્તિ, રક્ષાશક્તિ અને ઉર્જાશક્તિના સમન્વયથી ગુજરાતની વિકાસગાઠાએ નવો ઇતિહાસ રચ્યો છે. [/one_third]