નવી દિલ્હીઃ શું તમે નવી કાર કે એસયુવી ખરીદવા વિચારી રહ્યા છે તો તમારે વધારે કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે ઓટો કપનીઓ ફરીવાર કાર સહિતના પેસેન્જર વ્હિકલની કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે.
હાલ પ્રાપ્ત માહિતી મુજબ ટાટા મોટર્સ તેના વિવિધ પેસેન્જર વ્હિકલ્સની કિંમત આગામી સપ્તાહે વધારવા અંગે યોજના બનાવી રહી છે. કંપનીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે, મેટલ અને અન્ય રો-મટિરિયલ્સ મોંઘા થવાથી છેવટે કુલ ઉત્પાદન ખર્ચ વધી ગયુ છે જેના લીધે વાહનોની કિંમતો વધારવી જરૂર બની ગઇ છે. ટાટા મોટર્સની ટિયાગો, નેક્સન સહિત કેટલાક પેસેન્જર વ્હિકલ્સ મોડલ ઘણા લોકપ્રિય છે.
ટાટા મોટર્સના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કહ્યુ કે, અમે પાછલા એક વર્ષમાં સ્ટીલ અને અન્ય રો-મટિરિયલ્સની કિંમતોમાં અત્યંત ઝડપી વૃદ્ધિ જોઇ છે. પાછલા એક વર્ષમાં કોમોડિટીની કિંમતોમાં વૃદ્ધિની નાણાંકીય અસર અમારી રેવન્યૂ પર 8થી 8.5 ટકા સુધી છે. તેમણે ઉમેર્યુ કે,કંપનીએ અત્યાર સુધી રો-મટિરિયલ્સના વધેલા ખર્ચનો માત્ર એક નાનો હિસ્સો જ ગ્રાહકો પર ખસેડ્યો છે. આમ વિવિધ પહેલો મારફતે કાચામાલની પડતરમાં વૃદ્ધિનો બોજ ઓછો કરવાનો પ્રયાસ કરાયો છે. આથી અમે આગામી સપ્તાહે કિંમતો વધારવા મજબૂર છીએ.
નોંધનિય છે કે, આ પૂર્વે ચાલુ મહિનાની શરૂઆતમાં જ મારુતિ સુઝુકી ઇન્ડિયાએ સ્વિફ્ટ અને અન્ય મોડેલના સીએનજી વેરિયન્ટની કિંમતો 15,00 રૂપિયા સુધી વધારી હતી. ત્યારે કંપનીએ કહ્યુ કે, રો-મટિરિયલ્સ મોંઘા થતા ઉત્પાદન ખર્ચ વધ્યુ હોવાના કારણે સ્વિફ્ટ અને અન્ય તમામ સીએનજી મોડેલની કિંમતો વધારી છે.