નાગપુર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે નાગપુરમાં ભારતનો પ્રથમ એવો મલ્ટી-મોડલ ઇલેક્ટ્રીક વ્હિકલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ઇ-બસ, ઇ-કેબ, ઇ-રીક્ષા અને ઇ-ઓટોને એક જ પ્લેટફોર્મ પર લાવી શકાશે અને ઓલા એપ દ્વારા આ સુવિધાનો લાભ લઇ શકાશે.
પહેલાં ચરણમાં કુલ 200 વાહનો જાહેર મુકાયા હતા, જેમાં મહિન્દ્રાનાં e20 પ્લસ વ્હિકલ, ટાટા મોટર્સ, કાઇનેટિક અને TVSનાં વાહનો સમાવિષ્ટ છે.
આ પ્રસંગે નીતિન ગડકરીએ જણાવ્યું હતું સરકારનો ધ્યેય ભારતને સંપૂર્ણ ‘ઇ-વ્હિકલ નેશન’ બનાવવાનો છે. ક્રુડ ઓઇલનો વપરાશ ઘટાડવા અને પ્રદૂષણ ઘટાડવા માટે પણ આ પગલું જરૂરી છે, તેમ નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
દ્વિચક્રી વાહનો બનાવતી કંપનીઓને દેશનાં બીજા ભાગોમાં પણ આ લાભ પહોંચાડવા તૈયાર રહેવા ગડકરીએ જણાવ્યું હતું. જેમ-જેમ આ દિશામાં રિસર્ચ થશે અને બેટરીની કિંમત સસ્તી થશે, ત્યારે આ વાહનો પણ પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોને ટક્કર આપશે.