ન્યૂઝીલેન્ડની સાઉથ આઇસલેન્ડ સિટીમાં આવેલી બે મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ફાયરીગમાં 49 લોકોના મોત થયા છે. જ્યારે ફાયરીંગ થયું ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના સાત કરતાં વધુ ખેલાડીઓ પણ મસ્જિદમાં હોવાની જાણકારી મળી રહી છે. જોકે, તેમનો બચાવ થયો હતો. હુમલાખોર ઓસ્ટ્રેલિયાનો નાગરિક હોવાનું માનવામાં આવે છે. પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે કુલ ચાર લોકોને પકડી લીધા છે.
ફાયરીંગની ઘટના અંગે ન્યૂઝીલેન્ડના પોલીસ કમિશનર માઈક બૂશે જણાવ્યું કે, ગનમેને બે મસ્જિદ ઉપર હુમલો કર્યો છે. જેમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. આ બારામાં એક વ્યકિતની ધરપકડ થઇ છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. જોકે, ટીમને કોઇ નુકસાન થયું નથી.
આવતીકાલે બાંગ્લદેશ અને ન્યૂઝીલેન્ડ ક્રાઈસ્ટ ચર્ચના ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ રમવાની છે. બાંગ્લાદેશના ખેલાડીઓ નમાઝ માટે મસ્જિદ ગયા હતા પરંતુ એ દરમિયાન એક બંધુકધારીએ અચાનક ફાયરીંગ શરૂ કર્યું હતું. જો કે કોઇ ખેલાડીને ઇજા થઇ નથી. સુરક્ષિત રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અલ નુર મસ્જિદ શહેરની વચ્ચે આવેલી છે. ફાયરીંગથી સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ છે.
મળતા અહેવાલો મુજબ હુમલાખોર કાળા કપડામાં હેલ્મેટ પહેરી મસ્જિદમાં ઘુસ્યા હતા અને જે લોકો નમાઝ પઢતા હતા. તેમના પર ફાયરીંગ શરૂ કર્યું હતું. તેની પાસે ઓટોમેટીક ગન હતી અને તે અંધાધૂંધ ફાયરીંગ કરવા લાગ્યો હતો. ન્યુઝીલેન્ડ પોલીસે બાદમાં આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો અને બધી સ્કુલો બંધ કરાવી હતી. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી. વડાપ્રધાન જેસિંડા અર્ડને કહ્યું છે કે, આ ઘટના ન્યૂઝીલેન્ડ માટે કાળા દિવસ સમાન છે. ઘટના નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે, શૂટરની ગોળીથી બચવા લોકો ભાગવા લાગ્યા હતા.