ગાંધીનગર, 5 નવેમ્બર 2020
લોકોના શોખ પણ ગજબ હોય છે. એક સમય હતો જ્યારે નવું વાહન ખરીદતી વખતે પસંદગીનો નંબર લેવા માટે પડાપડી થતી હતી. તેમાં ભ્રષ્ટાચાર વ્યાપી ચૂક્યો હતો. હવે તો આરટીઓ કચેરીમાં ડ્રો સિસ્ટમથી નંબર મળે છે. તેથી ગમે તેવો નંબર ન આવે તે માટે રૂપિયા ખર્ચીને પસંદગીનો નંબર લેવામાં આવે છે. નવી સિરીઝમાં આપણે પસંદગીનો નંબર નોંધાવવો પડે છે અને તેની હરાજી પણ થતી હોય છે.
વાહનોમાં પસંદગીનો નંબર મેળવવા માટે પ્રતિ વર્ષ 25000 જેટલી અરજીઓ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 12.36 લાખ લોકોએ પસંદગીનો નંબર લેવા માટે અરજીઓ કરી હતી જે પૈકી 11.70 લાખ લોકોને પસંદગીના નંબરો ફાળવી આપવામાં આવ્યા છે. આ નંબરો મેળવવા માટે વાહનચાલકો લાખો રૂપિયા ખર્ચી રહ્યાં છે.
પાંચ વર્ષમાં પસંદગીના નંબરો મેળવવા માટે વાહનચાલકોએ 300 કરોડ ખર્ચ કર્યો છે. રાજ્યની આરટીઓ કચેરીઓને પાંચ વર્ષમાં 300,60,00,136 રૂપિયાની આવક થઇ છે. ઘણી વખત તો નંબર લેવા માટે જેટલા રૂપિયા ખર્ચવામાં આવે છે તેનાથી એક નવી ગાડી આવી શકે છે. એક મધ્યમ વાહનની કિંમત 4 લાખ રૂપિયા ગણીએ તો વાહનચાલકોએ પસંદગીના નંબર મેળવવા માટે જેટલા રૂપિયા ખર્ચ કર્યા છે તેમાં 7500 જેટલી નવી ગાડીઓ આવી શકે તેમ હતી.