બર્મિંગહૅમ: ભારતે રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાનને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ ‘બી’ની લીગ મૅચમાં ડકવર્થ/લુઇસ મેથડ લાગુ થયા બાદ ૧૨૪ રનથી કચડી નાખ્યું હતું. વર્લ્ડ કપ ટુર્નામેન્ટોમાં પાક સામે તમામ ૧૧ મૅચ જીતીને ૧૧-૦નો ક્લીન રેકૉર્ડ જાળવી રાખનાર ભારતે મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી આ સ્પર્ધામાં જીતીને હવે ૨-૨નો સરખો હિસાબ કરી નાખ્યો છે. યુવરાજ સિંહને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારતને જીત બદલ બે પૉઇન્ટ મળ્યા હતા.
ભારતે બૅટિંગ મળ્યા પછી ૩ વિકેટે ૩૧૯ રન બનાવ્યા બાદ પાકિસ્તાનીઓ સામે સુધારિત લક્ષ્યાંક મુજબ ૪૧ ઓવરમાં જીતવા ૨૮૯ રન બનાવવાનો પડકાર ફેંક્યો હતો, પરંતુ પાક ટીમ ૩૩.૪ ઓવરમાં ફક્ત ૧૬૪ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમમાં દરેક ખેલાડીનું કોઈકને કોઈક રીતે ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન હતું.
પહેલાં તો પાક ટીમ પર ભારતીય બૅટ્સમેનો ત્રાટક્યા હતા, ત્યાર બાદ મેઘરાજાએ ત્રાટકીને પાક ટીમના હોંશકોશ ઉડાડી દીધા હતા અને છેલ્લે ભારતીય બોલરોએ સરફરાઝ એહમદ ઍન્ડ કંપનીને માત્ર ૧૬૪ રનમાં ઑલઆઉટ કરીને એનો કચરો કરી નાખ્યો હતો. પાક ટીમ ભારતને ધાર્યા જેટલી લડત આપવામાં નિષ્ફળ ગઈ હતી. ભારતની અનુભવી અને લડાયક ટીમની તુલનામાં પાક ટીમ ખૂબ જ બિનઅનુભવી અને અપરિપકવ લાગતી હતી.
પાકિસ્તાનના કૅપ્ટન સૌથી પહેલાં તો ભારતને બૅટિંગ આપીને ભૂલ કરી હતી. જોકે, ભારત ટાર્ગેટ ચેઝ કરવામાં ચૅમ્પિયન હોવાની વાતને લક્ષમાં રાખીને તેણે આ નિર્ણય લીધો હશે, પરંતુ વાદળિયા હવામાનને ધ્યાનમાં રાખીને તેના માટે એ નિર્ણય બુમરેન્ગ સાબિત થયો હતો. પાકિસ્તાની પ્લેયરોની ફીલ્ડિંગ પણ બહુ ખરાબ હતી. તેમણે કેટલાક કૅચ છોડ્યા હતા જેનો ફાયદો પણ ભારતને મળ્યો હતો. મેઘરાજાએ પાક ટીમ માટે માથાકૂટ વધારી હતી જેમાં એનો લક્ષ્યાંક કેટલીક વખત બદલાયો હતો અને પાક ખેલાડીઓના માનસ પર એની પણ વિપરીત અસર થઈ હતી. પાક ટીમે ફાસ્ટ બોલર જુનૈદ ખાનને બદલે વહાબ રિયાઝ (૮.૪-૦-૮૭-૦)ને લેવાની ભૂલ કરી હતી. વહાબ નવમી ઓવરમાં ઘૂંટીમાં મોચ આવી જતાં જતો રહ્યો હતો. તેણે આપેલા ૮૭ રન ચૅમ્પિયન્સ ટ્રોફીના બોલરોમાં નવો વિક્રમ છે. ભારતની ૩/૩૧૯ની ઇનિંગ્સ પછી પહેલાં તો પાકનો લક્ષ્યાંક ડકવર્થ/લુઇસ મેથડ મુજબની ગણતરીને આધારે ૪૮ ઓવરમાં ૩૨૪ રનનો નક્કી થયો હતો. ત્યાર પછી વરસાદના વધુ એક વિઘ્નને લીધે ફરી લક્ષ્યાંક બદલાયો હતો અને છેવટે એને ૪૧ ઓવરમાં ૨૮૯ રન બનાવવાનું કહેવાયું હતું જે મેળવવામાં એ નાકામિયાબ થયું હતું. વહાબ રિયાઝ ઈજાને કારણે બૅટિંગ કરવા જ નહોતો આવ્યો.
એ પહેલાં, ભારતે ૪૮ ઓવરમાં ૩ વિકેટે ૩૧૯ રન બનાવ્યા હતા. રોહિત શર્મા (૯૧ રન, ૧૧૯ બૉલ, બે સિક્સર, સાત ફોર) અને શિખર ધવન (૬૮ રન, ૬૫ બૉલ, એક સિક્સર, છ ફોર) વચ્ચેની ૧૩૬ રનની ઓપનિંગ ભાગીદારીથી ભારતની જીતનો પાયો નખાયો હતો. તેઓ શરૂઆતમાં ઘણું ધીમું રમ્યા હતા, પરંતુ સ્વાભાવિક રીતે વિકેટ ન ગુમાવવાના નિર્ધાર સાથે રમતા રહ્યા હતા. રોહિત ૯ રન માટે ૧૧મી સદી ચૂકી ગયો હતો, પરંતુ તેણે આઇપીએલમાં પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સને ત્રીજી વાર ટ્રોફી અપાવીને હાંસલ કરેલા જબરદસ્ત જોશને અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જાળવી રાખ્યું હતું અને બેમિસાલ બૅટિંગ-પ્રદર્શનથી ભારતને વિજયની દિશામાં મૂકવાની પહેલ કરી હતી. એમાં તેને શિખરનો બહુ સારો સાથ મળ્યો હતો.
વરસાદના વારંવાર આવેલા અવરોધો વચ્ચે ભારતીય બૅટ્સમેનોએ મોટો સ્કોર નોંધાવવા પરની એકાગ્રતા જાળવી રાખી હતી. રોહિત-શિખરની જોડી પછીની મોટી ભાગીદારીમાં વિરાટ કોહલી (૮૧ અણનમ, ૬૮ બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) તથા યુવરાજ સિંહ (૫૩ રન, ૩૨ બૉલ, એક સિક્સર, આઠ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૩ રનની ભાગીદારી થઈ હતી. એ અગાઉ, વિરાટ ઓપનર રોહિત સાથે બીજી વિકેટ માટે ૫૬ રનની ભાગીદારી કરી ચૂક્યો હતો.
યુવી આઉટ થયા બાદ વિરાટ સાથે હાર્ડ-હિટર હાર્દિક પંડ્યા (૨૦ અણનમ, ૬ બૉલ, ત્રણ સિક્સર) જોડાયો હતો. હાર્દિકે એક તબક્કે સ્પિનર ઇમાદ વસીમના ત્રણ બૉલમાં ત્રણ છગ્ગા ફટકારી દીધા હતા. તેની અને કૅપ્ટન વિરાટ વચ્ચે ચોથી વિકેટ માટે ૩૪ રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
હવે ભારત ૮ જૂને શ્રીલંકા સામે રમશે અને ત્યાર પછી ૧૧ જૂને સાઉથ આફ્રિકા સામે છેલ્લો લીગ મુકાબલો થશે. ગ્રુપ ‘એ’ અને ગ્રુપ ‘બી’માં ટોચના બે-બે સ્થાને રહેનારી ટીમ સેમી ફાઇનલમાં પહોંચવાની છે.
ટૂંકો સ્કોર
ભારત: ૪૮ ઓવરમાં ત્રણ વિકેટે ૩૧૯ રન (રોહિત ૯૧, વિરાટ ૮૧ અણનમ, શિખર ૬૮, યુવરાજ ૫૩, હાર્દિક ૨૦ અણનમ, એક્સ્ટ્રા ૬, હસન અલી ૭૦ રનમાં એક અને શાદાબ બાવન રનમાં એક વિકેટ, વહાબ ૮૭ રનમાં તેમ જ ઇમાદ ૬૬ રનમાં, આમિર ૩૨ રનમાં અને મલિક ૧૦ રનમાં એકેય વિકેટ નહીં)
પાકિસ્તાન: ૩૩.૪ ઓવરમાં ૧૬૪ રને ઑલઆઉટ (અઝહર અલી ૫૦, હફીઝ ૩૩, શોએબ મલિક ૧૫, સરફરાઝ એહમદ ૧૫, શાદાબ ૧૪ અણનમ, એહમદ શેહઝાદ ૧૨, ઉમેશ ૩૦ રનમાં ત્રણ, હાર્દિક ૪૩ રનમાં બે, જાડેજા ૪૩ રનમાં બે, ભુવનેશ્ર્વર ૨૩ રનમાં એક વિકેટ, બુમરાહ ૨૩ રનમાં એકેય વિકેટ નહીં)