અમદાવાદ,તા.૨૩
અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક પુત્રવધૂએ તેના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે એક દિવસ તેણીને પાણીની તરસ લાગતા તે રસોડામાં જતી હતી ત્યારે તેની સાસુને તેમના બેડરૂમમાં પતિના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી. સાસુએ આ બાબતે પુત્રવધૂને ધમકાવી હતી મારીને ઠેકાણે પાડી દેવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, મહિલાનો પતિ ૩૦ લાખ રૂપિયા દહેજ માંગતો હતો અને એવું પણ કહેતો કે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે ૩૦ લાખની મદદ કરી હોવાથી તેની માતા આડા સંબંધ રાખે છે.
સાસરિયાઓના આ ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ ચાંદખેડામાં એક વર્ષથી પિયરમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૧૭માં આશ્રમ રોડ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નમાં યુવતીના માતા-પિતાએ ૫૦ લાખનું કરિયાવર આપ્યું હતું. લગ્નના થોડા સમય બાદ ન દહેજ ભૂખ્યા પતિએ યુવતીને પિયરમાંથી એક્ટિવા લઈ આવવા કહ્યું હતું. પુત્રીનું ઘર ન તૂટે તે માટે યુવતીને તેના પિતાએ એક્ટિવા લઈ આપ્યું હતું. બાદમાં વર્ષ ૨૦૧૮માં એક દિવસ યુવતી તરસ લાગતા તેના રૂમમાંથી બહાર આવી હતી. તેના રૂમની સામે જ તેની સાસુનો બેડરૂમ હતો.
યુવતી જ્યારે રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો. ત્યાં નજર પડતાં જ તેની સાસુ તેના સસરાના અને બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં બેડ પર પડી હતી. સાસુની નજર પુત્રવધૂ પર પડતા તેણે પુત્રવધૂને ધમકી આપી કે કોઈને કહેશે તો હત્યા કરાવી નાખશે અને ઠેકાણે પાડી દેશે. બાદમાં આ વાત યુવતીએ તેના પતિને કરતા તેના પતિએ કંઈ ધ્યાન આપ્યું ન હતુ અને ઝઘડો કરીને ઉલટાની યુવતીને ધમકાવી હતી. આટલું જ નહીં પતિએ એવું પણ કહ્યું કે તેના પિતાના પાર્ટનરે ૩૦ લાખ રૂપિયાની મદદ કરી હોવાથી તેની માતા તેમની સાથે આડા સંબંધ રાખે છે.
બાદમાં સાસરિયાએ યુવતીને ૩૦ લાખ રૂપિયા પિયરમાંથી લઈ આવવા દબાણ કર્યું હતું. બાદમાં આ ઝઘડો ખૂબ આગળ વધ્યો હતો. જોકે, યુવતીએ પોતાના સંસાર બચાવી રાખવા માટે સમાધાન કરી લીધું હતું અને સાસરે આવી ગઈ હતી. આ દરમિયાન પતિને કોરોના થયો હતો. જેથી તેની સેવામાં લાગી ગઈ હતી. જોકે, સાસરિયાઓએ ૩૦ની લાખની માંગણી ચાલુ રાખી હતી.