નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં ડિસેમ્બરથી પેટ્રોલ-ડીઝલ સહિત ગેસના ભાવ સતત વધીને આસમાને પહોંચતા સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા લોકોએ વાહનોનો વપરાશ ઘટાડ્યો છે અને તેની સીધી ઇંધણના કુલ વપરાશ પર થઇ છે.
પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા દેશમાં સતત બીજા મહિને ઇંધણનો વપરાશ ઘટ્યો છે અને તે ફેબ્રુઆરીમાં પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે રહ્યો છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન વાર્ષિક તુલનાએ ઇંધણની વપરાશ 4.9 ટકા ઘટીને 172 લાખ ટન નોંધાઇ છે. તો માસિક સરખામણીએ ફેબ્રુઆરીમાં ઇંધણની વપરાશમાં 4.6 ટકાનો ઘટાડો આવ્યો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતો સતત વધીને ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચતા તેના વપરાશમાં ઘટાડો આવ્યો અને તે ગત સપ્ટેમ્બર પછીના સૌથી સ્તરે રહી છે. ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરીમાં ઇંધણની વપરાશમાં છેલ્લા પાંચ મહિનાનો પહેલો ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક બજારની તેજી પાછળ ભારતમાં પેટ્રોલ અને ગેસઓઇલના ભાવ વધીને ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયા છે. ડીઝલનો વપરાશ એ આર્થિક વૃદ્ધિનું માપદંડ છે અને ભારતમાં ઇંધણના કુલ વપરાશમાં 40 ટકા હિસ્સેદારી ધરાવે છે, તેનોં વપરાશ ફેબ્રુઆરી 65.5 લાખ ટન નોંધાયો છે જે માસિક તુલનાએ 3.8 ટકા અને વાર્ષિક તુલનાએ 8.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. તો પેટ્રોલનું વેચાણ વાર્ષિક તુલનાએ 3 ટકા અને માસિક સરખામણીએ 6.5 ટકા ઘટીને 24.4 લાખ ટન નોંધાયુ છે. અલબત્ત દેશમાં રાંધણગેસનો વપરાશ ફેબ્રુઆરીમાં વાર્ષિક તુલનાએ 7.6 ટકા વધીને 22.7 લાખ ટન રહ્યુ છે.