પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાની હોદ્દા પરની મુદ્દત પૂર્ણ થતાં તેમના સ્થાને નવા પ્રમુખ તરીકે રમેશભાઈ ઓડેદરા (પટેલ)ની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રમેશભાઈ ઓડેદરા ઘેડ પંથકના મહેર સમાજના અગ્રણી હોવા સાથે ભાજપ સાથે પણ છેલ્લાં બે દાયકાથી પણ વધુ સમયથી સંકળાયેલા છે. તેમની નિયુક્તિને જિલ્લા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ સહર્ષ વધાવી છે.
નોંધનીય છે કે, રમેશભાઈ ઓડેદરા (પટેલ)નું નામ ગુજરાત વિધાનસભાની છેલ્લી બે-ત્રણ ચૂંટણીથી કુતિયાણા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સામે આવ્યું છે, પરંતુ તેમને હજુ સુધી પક્ષ દ્વારા ટિકીટ આપવામાં નથી આવી. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાના અત્યંત નિકટત્તમ સંબંધી એવા રમેશભાઈ ઓડેદરા (પટેલ)નું નામ ગત ડિસેમ્બર, ૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કુતિયાણા બેઠક પરથી ચર્ચામાં આવ્યું હતું અને લગભગ તેમનું નામ ફાઈનલ પણ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ દર વખતની જેમ ફરી એકવાર ભાજપ દ્વારા રમેશભાઈ ઓડેદરાના બદલે ઢેલીબેન ઓડેદરાને કુતિયાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઘોષિત કરી દેવામાં આવ્યા હતા.
ઘેડ પંથકમાં ખેડૂતોના તથા અન્ય પ્રજાકીય પ્રશ્નો પરત્વે રમેશભાઈ ઓડેદરા સદૈવ કાર્યરત રહ્યા છે, ત્યારે હવે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે તેમની નિમણૂક થતાં ખાસ કરીને ઘેડ વિસ્તારમાં હર્ષની લહેર છવાઈ જવા પામી છે.
