યુએસ દ્વારા આયોજિત ડેમોક્રેસી સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકશાહી માત્ર લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે નથી, પરંતુ તે ‘લોકોની સાથે, લોકોની અંદર’ હોવું જરૂરી છે.
શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોલતા પીએમ મોદીએ કહ્યું, “આપણે બધાએ આપણી લોકતાંત્રિક પ્રથાઓ અને પ્રણાલીઓમાં સુધારો કરતા રહેવું જોઈએ.” આપણે સતત સમાવેશ, પારદર્શિતા, માનવીય ગૌરવ અને સત્તાનું વિકેન્દ્રીકરણ વધારવાની જરૂર છે.
આ સમિટનું આયોજન યુએસ પ્રમુખ જો બાઈડેન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે “ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને તેની પાસે 2,500 વર્ષ જૂની લોકતાંત્રિક પરંપરાઓ છે”.
“ભારત ‘મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ’ કરાવવાની અને નવા ડિજિટલ સોલ્યુશન દ્વારા ‘શાસનના તમામ ક્ષેત્રોમાં પારદર્શિતા’ વધારવાની તેની નિપુણતાને લોકો સાથે શેર કરવા માંગે છે.”

ભારતીય લોકશાહીના ઈતિહાસ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, “સદીઓનું વસાહતી શાસન પણ ભારતીય લોકોની લોકશાહી ભાવનાને દબાવી શક્યું નથી.”
“ભારતની આઝાદી સાથે લોકતાંત્રિક ભાવનાને ફરીથી સંપૂર્ણ અભિવ્યક્તિ મળી છે અને છેલ્લા 75 વર્ષોમાં ભારતે લોકશાહી રાષ્ટ્ર નિર્માણની અદ્ભુત વાર્તા રજૂ કરી છે.”
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “આપણે સોશિયલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સી જેવી ઉભરતી ટેક્નોલોજીઓ માટે સંયુક્તપણે વૈશ્વિક માપદંડો બનાવવા જોઈએ જેથી તેનો ઉપયોગ લોકશાહીને મજબૂત કરવા માટે થઈ શકે, તેને નબળી પાડવા માટે નહીં.”
બાઈડેન વહીવટીતંત્રે વિશ્વભરમાં લોકશાહીને મજબૂત કરવા માટે આ સમિટનું આયોજન કર્યું હતું. ગુરુવારે સમિટનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે 10 વર્ષમાં દુનિયાના તમામ દેશોમાં લોકશાહી નબળી પડી છે.
યુએસ પ્રમુખે સ્વતંત્ર મીડિયાને ટેકો આપવા, ભ્રષ્ટાચાર સામે લડવા, લોકશાહી સુધારાને મજબૂત કરવા અને લોકશાહી માટે ટેક્નોલોજીના ઉપયોગને આગળ વધારવા માટે $424.4 મિલિયનની ગ્રાન્ટની યોજનાઓની જાહેરાત કરી છે.