નવી દિલ્હી: ભારતીય રેલ્વે હવે વધુ એક નવી સર્વિસ સાથે આવી રહ્યું છે. રેલ્વે દ્વારા ગુરુવારના રોજ ‘બાય ટિકિટસ નાઉ એન્ડ પે લેટર’ની સુવિધા શરૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું.
IRCTC સૂત્રોના જણાવ્યા મુજબ, હવેથી મુસાફરો IRCTCની વેબસાઇટ પરથી અગાઉથી ટિકિટ મેળવી શકશે અને બાદમાં તેનું પેમેન્ટ ચૂકવી શકશે.
IRCTCના સ્પોક્સ પર્સન સંદીપ દત્તના જણાવ્યા અનુસાર, આઇઆરસીટીસી અને મુંબઈની ઇપેલેટર કંપનીના જોડાણ થકી આ સેવા શરૂ કરવામાં આવી છે.
આ સર્વિસ થકી મુસાફર પાંચ દિવસ પહેલા ટિકિટ ખરીદી શકશે અને તેના પર 3.5 ટકા સર્વિસ ચાર્જ લાગુ પડશે. મુસાફરે ટિકિટ ખરીદ્યાના 14 દિવસ બાદ ટિકિટના નાણાં ચુકવવાના રહેશે.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકને તેનું નામ, ઇ-મેઈલ આઇડી, મોબાઈલ નંબર, પાન કાર્ડ અને આધાર કાર્ડ આપવાનું રહેશે.